કોરોના મહામારીને કારણે ચાર વર્ષ પછી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દરમિયાન હજારો શ્રાદ્ધાળુઓ જોડાયા હતા અને કોટ વિસ્તારના હજારો પરિવારોએ ઘરઆંગણે બાપજીના દર્શન કર્યા હતા. તળ સુરતીઓ ભાવવિભોર થવાની સાથે જ ઠેરઠેર છાશ, આઇસક્રીમ, પાણી સાથે શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તળ સુરત ગણાતા સુરત શહેરના કોટ વિસ્તારમાં ચૈત્ર, વૈશાખ માસમાં નીકળતી બળિયા બાપજીની પાલખીયાત્રા, શોભાયાત્રાનું ભારે મહાત્મ્ય આંકવામાં આવે છે.
વૈશાખ માસમાં રાજમાર્ગ સ્થિત રાણા શેરીમાંથી બળિયા બાપજીની શોભાયાત્રા નીકળે છે. શ્રાદ્ધાળુઓના જણાવ્યા મુજબ, વૈશાખ માસમાં 11 દિવસ માટે સ્થાપના, ત્રણ દિવસ માટે હવન બાદ ભક્તિ, ભાવ સાથે શોભાયાત્રા કાઢવામાં આવે છે. એક વર્ષના વિરામ પછી દર બીજા વર્ષે શોભાયાત્રા નીકળે છે. જોકે, કોરોનાને કારણે બે વર્ષ પહેલા શોભાયાત્રા નીકળી ન હોય ચાર વર્ષ પછી આ વર્ષે આયોજન કરાયુ હતું. મંગળવારે વહેલી સવારથી જ કોટ વિસ્તારમાં શોભાયાત્રાને લઇને હલચલ દેખાઇ હતી. રાણા શેરીથી નીકળેલી શોભાયાત્રા મહિધરપુરા વિસ્તારની વિવિધ શેરી ફરીને સ્વામી સમર્થ ચોક થઇને મુંબઇવડ સ્થિત ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી. ત્યાંથી સણિયા ગામના મંદિરે પહોંચીને શોભાયાત્રાનું સમાપન થયુ હતું. શોભાયાત્રામાં હજારો શ્રાદ્ધાળુઓ જોડાયા હતા.