રાજ્યભરનાં પ્રાથમિક શિક્ષકો સહિત માધ્યમિક શાળાનાં શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક કર્મચારીઓએ જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગણી સાથે આજે પહેલી એપ્રિલનાં રોજ કાળો દિવસ મનાવ્યો હતો. જેના ભાગરૂપે સૌ કર્મચારીગણે આજરોજ કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ બજાવી હતી.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાનાં આદેશ અનુસાર આજરોજ રાજ્યનાં લાગતા વળગતા તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી તેમજ કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. આ બ્લેક ડે નાં અનુસંધાને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે આજરોજ જિલ્લાભરનાં પ્રાથમિક શિક્ષકો નિયત સમય મુજબ પોતાની શાળામાં 15 મિનિટ વહેલા પહોંચી ગયા હતાં. તેમણે શૈક્ષણિક કાર્ય શરૂ કરતાં પહેલા બે મિનિટ મૌન પાળી હાથમાં બેનર અને પ્લેકાર્ડ સાથે જૂની પેન્શન યોજના શરૂ કરવા અંગેના સૂત્રોચ્ચારો કર્યા હતાં.
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ સૌ સારસ્વત મિત્રોને શાળા બહાર ગૃપ ફોટો પડાવી તેને સોશિયલ મીડિયા પર શેર કરીને સરકાર સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું. શાળા, કચેરી, તાલુકા મથક સહિત જિલ્લાભરનાં પ્રાથમિક શિક્ષકો તથા અન્ય કર્મચારી મંડળોએ ખૂબ જ શાંતિપૂર્વક સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કરી બ્લેક ડે ને ખરા અર્થમાં સાર્થક બનાવ્યો હતો. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ, ઇમરાનખાન પઠાણ એ એક અખબારી યાદીમાં જણાવે છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ