Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાણેથા ગામથી જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવતા માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશભાઈ મોદી.

Share

સુજલામ સુફલામ જળસંચય અભિયાનના પાંચમા તબક્કાના ભાગરૂપે આજરોજ માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાણેથા ગામેથી તળાવો ઉંડા કરવાના કામનો પ્રારંભ કરાવ્યો હતો.

સુરત જિલ્લામાં આ વર્ષે લોકભાગીદારી, મનરેગા તથા વોટરશેડ, વનવિભાગ, નગરપાલિકા વિસ્તારોમાં રૂા.૧૧.૭૮ કરોડના ખર્ચે ૨૧૫ જેટલા જળસંચયના કામો સાકારિત કરવામાં આવશે. જેમાં તળાવો ઉંડા કરવા, ચેકડેમ તથા જળાશયોનું ડિસિલ્ટીંગ, કાંસ સાફસફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, જળ એ ઈશ્વરે માનવજીવનને આપેલી અણમોલ ભેટ છે, ત્યારે પાણીના એકે-એક ટીપાનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તે જરૂરી છે. રાજ્ય સરકારે જળસંચય માટે જનશક્તિના સહયોગથી ઉપાડેલું ‘સુજલામ સુફલામ જળઅભિયાન’ પાણીદાર ગુજરાતના નિર્માણ માટેનું ગૌરવપ્રદ અભિયાન બની રહેશે. પાણીરૂપી પારસમણિનો સંગ્રહ કરીને જળસંચયના કાર્યો આગળ વધારવા રાજય સરકારે આ વર્ષે મહાઅભિયાન ઉપાડયું છે, ત્યારે આવનારી પેઢીને જળસમૃદ્ધિનો વારસો આપવાનો ભારપૂર્વક અનુરોધ તેમણે કર્યો હતો.

રાજ્યભરમાં ૧૩૦૦૦ સ્થળોએ જળસંગ્રહના કામો થકી પાણીની સંગ્રહક્ષમતામાં ૧૫ લાખ ઘનફુટનો વધારો થશે તેવો વિશ્વાસ વ્યકત કરતા મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રકૃતિનું ચક્ર ખોરવાયું છે, આવા સંજોગોમાં જળસંગ્રહની ક્ષમતામાં પણ ઘટાડો થયો છે, જેથી ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો પ્રદાન કરવાના પ્રયાસરૂપે રાજય સરકારે સતત પાંચમા વર્ષે જળઅભિયાન ઉપાડીને ગૃહવપરાશ, ખેતી, પશુપાલન, સિંચાઈમાં જળ ઉપલબ્ધ બને તેવો અભિગમ રાખ્યો હોવાનું જણાવી લોકભાગીદારીની અપેક્ષા વ્યકત કરી હતી.

Advertisement

આ અવસરે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, પાણી એ પ્રભુનો પ્રસાદ છે. સુજલામ-સુફલામ જળ અભિયાન ધરતીને નવપલ્લવિત કરીને ભાવિ પેઢીને ઉજ્જવળ અને જળસમૃદ્ધ કરવાનું જનઅભિયાન છે. જળસંચય અભિયાન થકી જળસંગ્રહ ક્ષમતામાં લાખો ઘન ફુટનો વધારો થયો હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું કે, આ અભિયાન અંતર્ગત ઉલેચવામાં આવેલી કાંપયુક્ત માટીને ખેતરોમાં પાથરવાથી જમીનની ફળદ્રુપતા અને પાકઉત્પાદન ક્ષમતા વધશે, સાથોસાથ તળાવો ઊંડા કરવાના કાર્યમાં લોકોને રોજગારીના અવસરો પણ મળશે. કાર્યક્રમ દરમિયાન જળસંપત્તિ વિભાગની જળસંચયની ફિલ્મનું નિદર્શન કરાયું હતું.

નોંધનીય છે કે, માંગરોલ તાલુકાના પાણેથા ગામે મંત્રીના હસ્તે શુભારંભ થનાર તળાવનુ કાર્ય ૧૦૦ ટકા લોકભાગીદારીથી સાકાર થશે. સુજલામ સુફલામ જળઅભિયાનની રાષ્ટ્રીયકક્ષાએ નોંધ લેવામાં આવી હતી જે અંતર્ગત રાજય સરકારને ૨૦૨૦ ના વર્ષમાં પ્લેટેનિયમ તથા ૨૦૨૧ના વર્ષમાં ગોલ્ડ કેટેગરીમાં સ્કોચ એવોર્ડ એનાયત થયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ચંદનબેન ગામીત, એપીએમસીના ચેરમેનશ્રી દિલિપસિંહ રાઠોડ, અગ્રણીશ્રી દિપકભાઈ, અફઝલભાઈ, નયનાબેન, ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.જી.પટેલ તેમજ અન્ય પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

અંકલેશ્વર પીરામણ નાકા નજીક ગટરમાં આગ ફાટી નીકળતા દોડધામ

ProudOfGujarat

અમરેલી : હિંડોરણામાં રહેણાંકમાંથી ગેરકાયદે ગેસ રીફીલીંગ કૌભાંડ ઝડપાયું

ProudOfGujarat

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ડેડીયાપાડા અને સાગબારા કોંગ્રેસ દ્વારા આદિવાસી સત્યાગ્રહના કાર્યક્રમનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!