Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના મિકેનીકલ વિદ્યાર્થીઓનો વર્લ્‍ડ રેકોર્ડ, બનાવ્યો માત્ર 1800 રૂપિયામાં 29 ગ્રામનો સેટેલાઈટ

Share

સુરતઃ શહેરના પાંચ યુવકો વિશ્વભરમાં પોતાનો ડંકો બજાવવા તરફ અગ્રેસર છે. સ્‍પેસ ટેક્‍નોલોજીમાં આજે ઈસરો એલિટ ક્‍લબમાં સમાવેશ થવાને આરે ઉભું છે ત્‍યારે આ યુવકો વિશ્વના સૌથી નાનો ઉપગ્રહ બનાવીને વર્લ્‍ડ રેકોર્ડ્‍સ ઓફ ઈન્‍ડિયામાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે પ્રસ્‍થાપિત કરી દીધું છે. માત્ર 1800 રૂપિયામાં આ યુવકોએ 29 ગ્રામના સેટેલાઈટના પ્રક્ષેપણનું કાઉન્‍ડ ટાઉન શરૂ થઈ ચુક્‍યું છે. એસ.એન.પી.આઈ.ટી. એન્‍ડ આર.સી. કોલેજમાં અભ્‍યાસ કરતાં મિકેનીકલના વિદ્યાર્થીઓનો આ અનોખો રેકોર્ડ માત્ર સુરત કે રાજ્‍ય માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગર્વનો વિષય બન્યો છે.
2019માં યુક્રેનથી ઈન્‍જીનિયસ એરો સ્‍પેસ નામની કંપની લોન્‍ચ કરશે

Advertisement

બારડોલીમાં આવેલી એસ.એન.પી.આઈ.ટી. એન્‍ડ આર.સી. કોલેજમાં અભ્‍યાસ કરતાં અને સુરતના વેસુમાં રહેતા નિવેધ હરીશ, કતારગામના હર્ષ વૈદ્ય, અડાજણના મિતેશ સોલંકી, પરવત પાટીયાના કિશન કાનાણી અને અલથાણના ધ્રુવ પટેલ નામના પાંચ વિદ્યાર્થીઓ મિકેનીકલના ચોથા વર્ષમાં અભ્‍યાસ કરી રહ્યા છે. નોવા જેટ પ્રોપલર્સ લેબોરેટરીમાં આ યુવકોએ માત્ર 10 દિવસમાં દુનિયાના સૌથી નાના ઉપગ્રહને લોન્‍ચિંગ પેડ પર મોકલવામાં અકલ્‍પનીય સફળતા હાંસલ કરી છે. મેગ્નેટિક રેડિયેશન અને સોલાર રેડિયેશન માટે અત્‍યંત મહત્‍વપૂર્ણ એવા આ ઉપગ્રહના ડેટાના આધારે આપણાં ગ્રહમાં મેગ્નેટિક અને સોલાર રેડિયેશનની માહિતી ઉપલબ્‍ધ થશે. આ ઉપગ્રહ આગામી 2019માં યુક્રેનથી ઈન્‍જીનિયસ એરો સ્‍પેસ નામની કંપની લોન્‍ચ કરશે. 10 દિવસની અથાગ મહેનત અને થ્રી-ડી પ્રિન્‍ટરની મદદથી તૈયાર કરવામાં આવેલા 29 ગ્રામના દુનિયાના સૌથી નાના ઉપગ્રહને વર્લ્‍ડ રેકોર્ડ્‍સ ઓફ ઇન્‍ડિયામાં પણ સ્‍થાન મળી ચુક્‍યું છે અને આ ઉપગ્રહનું મોડલ હવે દેશ – દુનિયાના અન્‍ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત સાબિત થશે.

વિદ્યાર્થીઓ ઉપગ્રહના લોન્‍ચિંગ વખતે યુક્રેન જવા માટે થનગની રહ્યા છે

વિદ્યાર્થીઓએ જણાવ્‍યું હતું કે, ઉપગ્રહ બનાવવા પાછળનો ખર્ચ ભલે માત્ર 1800 રૂપિયા હોય પરંતુ તેની આપણા ગ્રહના લોઅર અર્થ ઓરબીટ સુધી પ્રક્ષેપણ કરવાનો ખર્ચ 15 લાખથી વધુ થાય છે. જે માટે યુક્રેનની એક કંપનીએ આ પ્રોજેક્‍ટમાં ઉત્‍સાહ દાખવીને નિઃશુલ્‍ક દુનિયાના સૌથી નાના ઉપગ્રહને લોન્‍ચ કરવાની તૈયાર દાખવી હતી. નાસા દ્વારા પણ આ ઉપગ્રહની સફળતા – નિષ્‍ફળતા પર તબક્કાવાર સંશોધન કર્યા બાદ ઉપગ્રહની 100 ટકા સફળતાની ‘ગેરેન્‍ટી’ આપવામાં આવી છે. સુરતમાં રહીને બારડોલી અભ્‍યાસ કરતાં આ યુવાઓએ સ્‍પેસ ટેક્‍નોલોજી સાથે સંકળાયેલી એક વેબસાઈટના માધ્‍યમથી પોતાના અનોખા ઉપગ્રહ સંદર્ભે યુક્રેનની કંપનીનો સંપર્ક સ્‍થાપ્‍યો હતો. હવે આ તમામ વિદ્યાર્થીઓ આગામી 2019માં ઉપગ્રહના લોન્‍ચિંગ વખતે યુક્રેન જવા માટે થનગની રહ્યા છે.

બાજથી પ્રેરણા લઈ નામ આપ્‍યું ‘હોક સેટ’

વધુમાં જણાવ્યું હતું કે, દુનિયાના સૌથી નાના અને વજનમાં સૌથી હલ્‍કા એવા આ સેટેલાઈટનું નામ ‘હોક સેટ’ રાખ્‍યું છે. બાજની નજર જેમ આ સેટેલાઈટ પણ પૃથ્‍વીની ભ્રમણ કક્ષાએ પહોંચ્‍યા બાદ બારીકાઈથી પોતાના મિશનને પાર પાડશે તેવો આશાવાદ આ વિદ્યાર્થીઓએ વ્‍યક્‍ત કર્યો છે.

રોકેટ સાયન્‍સમાં પારવધા

વિશ્વનું સૌથી નાનો ઉપગ્રહ બનાવનારી આ ટીમને કંઈ રાતોરાત સફળતા મળી નથી. અથાગ પરિશ્રમ અને બે – ત્રણ કિલો વજનની ચોપડીઓમાં માથું ખંજવળતાં ખંજવતાં રાત – દિવસની અપાર મહેનત બાદ આ વિદ્યાર્થીઓનો સમગ્ર વિશ્વમાં ડંકો વાગ્‍યો છે. આ ટીમે અગાઉ પણ એક સાથે 23 રોકેટ લોન્‍ચિંગમાં સફળતા હાંસલ કરી હતી અને આ સફળતા બાદ જ આ ટીમે વિશ્વના સૌથી નાના ઉપગ્રહને બનાવવાનો મનોમન સંકલ્‍પ લીધો હતો.

નાસાએ પણ નોંધ લીધી

વધુમાં ઉમેર્યું હતું કે, નાસાએ પણ આ વિશ્વના સૌથી નાનામાં નાના ઉપગ્રહ ની નોંધ લીધી છે. વિશ્વનો સૌથી નાનો ઉપગ્રહ હવે પૃથ્‍વીના પરિભ્રમણ માટે તૈયાર થઈ ચુક્‍યો છે અને આ સફળતાની નોંધ ખુદ નાસાએ પણ લીધી છે. ભારત ખાતે નાસાના સ્‍પેસ એમ્‍બેસેડર દિલીકાબેન દવબુરીએ સ્‍વયં આ વિદ્યાર્થીઓનો સંપર્ક સાધીને તેઓની કામગીરીને બિરદાવી હતી.

થ્રી-ડી પ્રિન્‍ટરની મદદ

સૌથી હલ્‍કા અને કારગર ઉપગ્રહ બનાવવા માટે આ વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારના મેટલને બદલે સૌથી સરળ અને હલ્‍કા પદાર્થનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો અને તે માટે આ વિદ્યાર્થીઓને થ્રી – ડી પ્રિન્‍ટર સિવાય અન્‍ય કોઈ વિકલ્‍પ નજરે પડયો ન હતો. થ્રી – ડી પ્રિન્‍ટરના ઉપયોગ વડે આ વિદ્યાર્થીઓએ આપણી ટચલી આંગળી કરતાં પણ નાનો ઉપગ્રહ બનાવવામાં સફળતા મેળવી હતી.

સૂર્યના કિરણોથી પૃથ્‍વી પર થનારા ફેરફારોના અધ્‍યયન માટે પણ ઉપયોગી

માત્ર 1800 રૂપિયા અને 29 ગ્રામનો આ ટચુકડો ઉપગ્રહ પૃથ્‍વીની ભ્રમણ કક્ષાએ પહોંચ્‍યા બાદ પૃથ્‍વી પરના ગ્રેવીટેશન વેવની તીવ્રતાના અભ્‍યાસ માટે મહત્‍વપૂર્ણ સાબિત થશે. આ સિવાય સૂર્યની એનર્જીથી પૃથ્‍વી પર થનારી સંભવિત અસરોની પણ જાણકારી મળશે. વાયુ મંડળમાં સતત ઘટી રહેલા ઓઝોનના સ્‍તરને કારણે આગામી સમયમાં સૂર્યના કિરણોથી પૃથ્‍વી પર થનારા ફેરફારોના અધ્‍યયન માટે પણ ઉપયોગી સાબિત થશે. સોલાર રેડિયેશન સતત વધતાં ગ્‍લેશિયરો પીગળવાની સાથે સતત વધી રહેલી સમુદ્રની સપાટી પણ વૈજ્ઞાનિકો માટે પડકાર રૂપ સાબિત થઈ રહી છે.

તામિલનાડુના વિદ્યાર્થીનો રેકોર્ડ ધ્‍વસ્‍ત

ભારતના તામિલનાડુમાં અભ્‍યાસ કરતા રિયાફત શકુર નામના એક વિદ્યાર્થીએ ગત વર્ષે જુન મહિનામાં માત્ર 64 ગ્રામના ઉપગ્રહ બનાવ્‍યો હતો. આ ઉપગ્રહનું નામ દેશના રાષ્ટ્રપતિ સ્‍વ. અબ્‍દુલ કલામને શ્રદ્ધાંજલિના ભાગરૂપે કમાલસત રાખવામાં આવ્‍યું હતું. માત્ર 18 વર્ષના આ વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવેલા આ સેટેલાઈટને એશિયા બુક ઓફ રેકોર્ડ્‍સ, ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડ્‍સ અને આસિસ્‍ટ વર્લ્‍ડ રેકોર્ડ્‍સમાં સ્‍થાન મળ્‍યું છે. જેને કારણે હવે સુરતના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા 29 ગ્રામના સેટેલાઈટનું સ્‍થાન હવે આ હરોળમાં અગ્રેસર થયું છે..સૌજન્ય D.B


Share

Related posts

પાલેજમાં કોંગ્રેસનાં માજી જિલ્લા સદસ્યનાં મકબુલ અભલીનાં હસ્તે જરૂરિયાત મંદ કુટુંબોમાં અનાજની કીટોનું વિતરણ.

ProudOfGujarat

ભરૂચના નર્મદા ઘાટો ઉપર મગરોના ભયના કારણે નર્મદા સ્નાન પર પ્રતિબંધથી હજારો સહેલાણીઓ નારાજ…નારેશ્વર ખાતે સ્નાન કરવા પર પ્રતિબંધ હોવાથી હજારો સહેલાણીઓ પરેશાન…

ProudOfGujarat

ભરૂચ જે.બી મોદી પાર્કથી પશ્ચિમ વિસ્તારને જોડતો માર્ગ ચાલુ કરવા કલેકટરને રજૂઆત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!