રાંદેર ચંદ્રશેખર આઝાદની બ્રિજ પર રવિવારે સાંજે જુનેદ પઠાણની હત્યા કરાઈ હતી. આ હત્યા કેસમાં રાંદેર પોલીસે વધુ બે હત્યારા ભાઈઓની ધરપકડ કરી છે. જુનેદ પત્ની અને 3 દીકરીઓને બાઇક પર લઈ ઘરે જઇ રહ્યો હતો તે વખતે હુમલાખોરોએ કારથી બાઇકને ટક્કર મારી નીચે પાડી જુનેદને 17 થી વધુ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી.
હત્યા પાછળનું કારણ મૃતક જુનેદ પઠાણના સાળાઓનો હત્યારાઓ સાથે એક મહિના પહેલા પાર્કિંગ બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં જુનેદ પઠાણના સાળા સહિત 5 આરોપીઓ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં જુનેદ પઠાણ સાળાઓને જેલમાંથી છોડાવવા મદદ કરતો હતો. આથી જુનેદનો કાંટો કાઢી નાખવા હત્યા કરવામાં આવી હતી.
રાંદેર પોલીસે હત્યારા અઝહરુદ્દીન ઉર્ફે અઝહર આબેદીન સૈયદ(31) અને તેનો રિક્ષાચાલક ભાઈ નિઝામુદ્દીન ઉર્ફે લાલા આબેદીન સૈયદ(38) (બંને રહે,પાલીયાવાડ,રાંદેર)ની ધરપકડ કરી છે. અગાઉ તેના ભાઈ ઈરફાન આબેદીન સૈયદની ધરપકડ કરી હતી. હજુ બે હત્યારાઓ નાસતા ફરે છે. પોલીસે કાર પણ કબજે કરી છે. કાર અઝહરુદ્દીને ખરીદી કરી હોવાનું રટણ કરી રહ્યો છે, ખરેખર કારની તપાસ કરાય તો ઘણી હકીકતો પોલીસને મળી શકે છે.