સૌજન્ય-DB.સુરતઃ ચીખલી તાલુકાના ઉત્તર દિશામાં આવેલા એક ગામની શાળામાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી ચાર વિદ્યાર્થિનીઓના સમલૈંગિક સંબંધોની જાણ શાળા અને હોસ્ટેલના સંચાલકોને થતા સમગ્ર શૈક્ષણિક જગતમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટનાની જાણ તેમના વાલીઓને કરતાં શાળામાંથી પોતાની પુત્રીના એલસી લઈ ગયા હતાં. જ્યારે એક વિદ્યાર્થિનીએ શાળામાં અભ્યાસ કરવાનું બંધ કરી દીધું છે.
સમલૈંગિક સંબંધોથી હોસ્ટેલનું વાતાવરણ બન્યું દૂષિત
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર આદિવાસી વિસ્તાર એવા ચીખલીમાં આવેલી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ત્રણ વિદ્યાર્થિનીઓ ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. જ્યારે એક વિદ્યાર્થિની ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. આ ચારેય વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. ધોરણ 12માં ભણતી બે વિદ્યાર્થિનીઓ વચ્ચે છેલ્લા એકાદ વર્ષથી સમલૈંગિક સંબંધો હતો. જ્યારે ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પણ 12માં ધોરણમાં અભ્યાસ કરતી અન્ય એક વિદ્યાર્થિની સાથે પણ સમલૈંગિક સંબંધો હતાં. સમલૈંગિક સંબંધોના કારણે હોસ્ટેલનું વાતાવરણ દૂષિત બની ગયું હતું.
વાલીઓએ લઈ લીધા એલસી
છેલ્લા એકાદ માસથી આ ચારેય વિદ્યાર્થિનીઓ વચ્ચેના સમલૈંગિક સંબંધો હોસ્ટેલ અને સ્કૂલમાં ચર્ચાનો વિષય બન્યાં હતાં. આ બાબતે અન્ય વિદ્યાર્થિનીઓએ પણ હોસ્ટેલની ગૃહમાતાને ફરિયાદ કરી હતી. આ આખો મામલો સ્કૂલના સંચાલકોના ધ્યાનમાં આવતા તેમણે ચારેય વિદ્યાર્થિનીઓને વાલીઓને બોલાવ્યા હતા અને તેમને સમગ્ર હકીકતથી વાકેફ કરાવ્યા હતા.આ વાતો જાણીને ત્રણ વાલીઓએ તેમની દીકરીને સ્કૂલમાંથી ઉઠાડી લીધી હતી અને એલસી પરત લઈ લીધા હતા. અન્ય એક વિદ્યાર્થિનીએ આ બનાવ બાદ સ્કૂલમાં આવવાનું જ બંધ કરી દીધું છે. શાળામાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી આ ચારેય વિધાર્થિનીઓમાં એક ડાંગ જિલ્લાની, બે નવસારી જિલ્લાની અને એક નર્મદા જિલ્લાની હોવાનું જાણવા મળ્યું છે.
લોહીથી લખ્યું લવ યુ જાનું
હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ વચ્ચેના સમલૈંગિક સંબંધો બાબતે કેટલીક ચોંકાવનારી હકીકતો પણ બહાર આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની હાથની નસો કાપીને તેના લોહીથી આઈ લવ યુ જાનું જેવા શબ્દો કાગળ પર લખ્યા હતા.સાથે જ સમલૈગિંક સંબંધો અંગેના કેટલાક પ્રેમ પત્રો પણ હોસ્ટેલના સંચાલકોએ જપ્ત કર્યા છે. આ વિદ્યાર્થિનીઓ વચ્ચે સંબંધો એટલા ગાઢ હતા કે આ બંને વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલના સંચાલકો છૂટા પાડશે તો અમે બંને અહી જ આપઘાત કરી નાખીશું એવું પણ જણાવતા હતાં. જો કે શાળા અને હોસ્ટેલના સંચાલકોએ સમયાંતરે આ ચારેય વિદ્યાર્થિનીઓ પાસે માફી પત્રકો પણ લખાવ્યા હતાં સાથે સાથે સમલૈંગિક સંબંધો બાબતેના કેટલાક પ્રેમપત્રો પણ હોસ્ટેલના સંચાલકોએ કબ્જે કર્યા હતાં.