સુરત વાંકલ એસ.ટી બસનો સાંજનો રૂટ બંધ કરી દેવાતા બોરસદ દેગડીયા ગામ સહિત અનેક ગામના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ સંદર્ભમાં બોરસદ દેઘડિયા ગામના સરપંચ દ્વારા પુનઃ એસ.ટી રૂટ શરૂ કરવા સુરત એસ.ટી વિભાગના નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
સુરત વાંકલ એસ.ટી રુટનું સંચાલન હાલ થઈ રહ્યું છે પરંતુ બપોરે 3:15 કલાકે સુરતથી ઉપડી વાંકલ આવતી એસ.ટી બસના રૂટને બંધ કરવામાં આવતા ખાસ વિદ્યાર્થીઓ માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. બોરસદ, દેઘડીયા, વેરાકુઈ સહિત અનેક ગામના વિદ્યાર્થીઓ નાની નરોલી હાઈસ્કૂલ, કામરેજ કોલેજ, અને ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાંકલ સુરત એસ.ટી બસનો સાંજનો રૂટ બંધ થવાથી ઉપરોક્ત ગામના તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. સાંજના સમયે મોડી રાત સુધી વિદ્યાર્થીઓ ઘરે આવી શકતા નથી, વાલીઓ પોતાના બાળકની ચિંતા કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની મુશ્કેલીને પ્રાધાન્ય આપી સત્વરે સાંજનો વાંકલ સુરત એસ.ટી બસનો રૂટ શરૂ કરવામાં આવે અને આ રૂટ શરૂ કરવામાં નહીં આવે તો ન છૂટકે વિદ્યાર્થીઓએ અને વાલીઓએ રસ્તા રોકો આંદોલન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
વિનોદ મૈસુરીયા, વાંકલ