સુરત જિલ્લામાં અવારનવાર કંપનીઓમાં નાના મોટા અકસ્માતના બનાવ બની રહ્યા છે જેમાં કેટલાક બનાવોમાં કામદારોના જીવ પણ ગયા છે તેમ છતાં કામદાર જગતના હિતો સાચવવા નિયુક્ત કરેલા સરકારી અમલદારો કામદારોના હિત જોવા કરતા પોતાના હિતો વધુ જોઈ રહ્યા હોય તેમ અકસ્માતના બનાવોમાં વધુને વધુ કામદારોના મોત નીપજી રહ્યા છે તેમજ કામદારોને ઇજા પહોંચી રહી છે.
સુરતના ભાઠેના વિસ્તારના એક કારખાનામાં એક બનાવ બન્યો હતો. આ કારખાનામાં પ્લાસ્ટિકની જરીની સીટનું કામ ચાલી રહ્યુ હતું. પ્લાસ્ટિકની જરીની સીટના કટર મશીન પાસે એક યુવક કામ કરી રહ્યો હતો. આ યુવક લાંબા સમયથી કામ કરતા સમયે ફોન પર વાત કરી રહ્યો હતો. તે ચાલુ કામમાં ફોનમાં એટલો મશગૂલ હતો કે, તેણે સ્વીચ ચાલુ કરી તે ભેગા જ મશીનના કટરમાં ફસાઈ ગયો હતો. ગણતરીની સેકન્ડમાં યુવક મશીનની અંદર ધસી ગયો હતો, અને મશીનના પાર્ટસની અંદર ગોળ ગોળ લપેટાયો હતો. યુવકને જોઈને પાસે સૂતેલા બે કર્મચારીઓ મદદે દોડી મશીનની સ્વીચ બંધ કરવામા આવી હતી, અને યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ બાદ સર્વત્ર એક જ બાબતની ચર્ચા થઈ રહી છે કે કામદારોનો બેલી કોણ…?