છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે રાજ્ય સરકારે પણ દુષ્કર્મના આરોપીઓ પ્રત્યે સખત વલણ અપનાવવાનું નક્કી કર્યું છે. હાલમાં જ સુરતમાં જ બાળકીના દુષ્કર્મના કેસમાં ગણતરીના દિવસોમાં ચુકાદો આપ્યા બાદ વધુ એક દુષ્કર્મના કેસ ઉપર આજે આરોપીને સુરત કોર્ટમાં સજા સાંભળાવી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં થોડા મહિના પહેલા બનેલ બળાત્કાર અને હત્યા મામલામાં સુરત કોર્ટે આજે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. ગત સુનાવણીમાં આરોપીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો. નરાધમે બાળકીને વડાપાઉંની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર કરી બાળકીને માથામાં ઈટ મારી હત્યા કરી હતી. જેમાં પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા. હાલમાં લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યાર બાદ સ્પીડી ટ્રાયલમાં મહત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષી, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ, ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
પાંડેસરા વિસ્તારમાં 7 ડિસેમ્બર, 2020 ના રોજ ઘરની બહાર રમતી બાળકીને દિનેશ બૈસાણ નામના યુવકે વડાપાઉ આપવાની લાલચ આપી હતી. આ બાળકીની ઉંમર 10 વર્ષ હતી. દિનેશ તેને નજીકની ઝાડીમાં લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. બાળકીએ પ્રતિકાર કરતા તેણે બાળકીના માથા પર ઈંટના ઘા મારીને તેની હત્યા કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી દિનેશ બૈસાણની ધરપકડ કરી હતી.