સંજયલીલા ભણશાલીની વિવાદિત ફિલ્મ ‘પદ્માવત’ રિલીઝ કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા લીલીઝંડી આપી દેવામાં આવી છે. આ મામલે કરણીસેના દ્વારા ઠેર-ઠેર ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં ‘પદ્માવત’ ફિલ્મ રિલીઝ કરવા અંગે કરણીસેનાએ વિરોધ કરવાને બદલે મોરબી શહેરના સિનેમાધરોના સંચાલકો સાથે બેઠક યોજી હતી. જેમાં મોરબીની વિજય સિનેમા, સુપર ટોકીઝ અને ચિત્રકૂટ ટોકીઝના સંચાલકો સાથે મોરબી કરણીસેનાના અધ્યક્ષ વિજયસિંહ ચુડાસમા સહિતના આગેવાનો જોડાયા હતા.
આ બેઠકમાં ફિલ્મ ‘પદ્માવત’ રિલીઝ થવાથી સમાજની લાગણી દુભાતી હોવાથી કરણીસેના દ્વારા મોરબીમાં ‘પદ્માવત’ રજુ ન કરવા સિનેમા સંચાલકોને અપીલ કરવામાં આવી હતી. આ બેઠક બાદ કરણીસેના મોરબી જીલ્લાના અધ્યક્ષ વિજયસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, મોરબી સિનેમાધરોના સંચાલકોએ કરણીસેના સાથે કરેલ બેઠક સફળ રહી છે અને સિનેમા સંચાલકોએ તેમની માંગણીને સહકાર આપી ફિલ્મ રિલીઝ ન કરવા માટેની ખાત્રી આપી છે. જેને લઈને મોરબીમાં હવે સુપ્રીમ કોર્ટની મંજૂરી હોવા છતાં પદ્માવત ફિલ્મ રિલીઝ કરવામાં નહીં આવે.
જ્યારે કચ્છથી પણ અહેવાલ સાંપડ્યા છે કે ભુજના સિનેમાઘરના સંચાલકોની બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ભુજના કોઈપણ થિયેટરમાં ફિલ્મ ‘પદ્માવત’ રજૂ કરવામાં નહીં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતભરના જુદાજુદા સ્થળોએ રાજપૂત સમાજ દ્વારા ‘પદ્માવત’નો વિરોધ થઇ રહ્યો છે અને ઠેરઠેર હાઇવે પર ટાયર સળગવી ચક્કાજામ કરવામાં આવ્યા હતાં.
સૌજન્ય(સાંજ સમાચાર)