હરિધામ સોખડા ના હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી પામ્યા છે. ત્યારે દેશ-વિદેશના તેમના લાખો ભક્તો શોકમગ્ન બની ગયા છે. આ સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ભક્તો સોખડા ખાતેના મંદિર પહોંચી દર્શનનો લાભ લીધો હતો. હવે આવતી કાલે તેમની અંતિમવિધિ કરવામાં આવશે. ત્યારે હવે સોખડા હરિધામ મંદિરના નવા ગાદીપતિ કોણ બનશે તેને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
સૌથી વડીલ સંત પ્રેમસ્વરૂપ દાસ સ્વામી નું નામ અગ્રેસર છે. ત્યાગ વલ્લભ સ્વામીનું નામ પણ ચર્ચામાં છે. હરિપ્રસાદ સ્વામીજી ઉત્તરાધિકારીનું નામ સૂચવીને ગયા હોવાની માહિતી છે.ત્યાગ વલ્લભ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે, મંદિરના સંતો બેસી નવા ગાદીપતિ વિશે નિર્ણય લઈશું. અત્યારે કોઈનું પણ નામ ગાદીપતિ માટે ચર્ચામાં નથી. હું એક નાનો સેવક છું, સંતોની બેઠકમાં નવા ગાદીપતિનું નામ નક્કી થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદી એ હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસથી દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે શોક સંદેશમાં સ્વામીજીને સેવા, ભક્તિ અને સમર્પણના જીવંત ઉદાહરણ ગણાવ્યા છે. સાથે જ કહ્યું કે, ધાર્મિક સત્સંગ અને સામાજિક સેવા દ્વારા દેશ વિદેશના લાખો અનુયાયીઓના જીવનમા પરિવર્તન લાવવા સેતુ રૂપ બન્યા છે. વિચાર દર્શનનુ પ્રતિક એવુ સોખડા હરિધામ પ્રેરણા તીર્થધામ બન્યું છે. સ્વામીજીના પ્રેરણારૂપ સાનિધ્યનો મને લાભ મળ્યો છે. તો પ્રધાનમંત્રીએ હરિપ્રસાદ સ્વામી મહારાજની આત્માને શાન્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.