ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખીને ભલામણ કરી છે કે દરેક શાળાના પ્રવેશદ્વાર પર દેવી સરસ્વતીની મૂર્તિ મૂકવાનું ફરજિયાત બનાવવું જોઇએ. દેવી સરસ્વતી વિદ્યાદાત્રી હોવાથી તેમના દર્શન કરીને બાળક શાળામાં પ્રવેશ કરશે તો તેની બુદ્ધિ અને વિચારોનું શુદ્ધિકરણ થશે. બાળક જ્યારે શાળામાં પ્રવેશ કરશે, ત્યારે એક નવી ઊર્જા અને સકારાત્મકતા સાથે પ્રવેશે છે.
શાળા સંચાલક મંડળે કહ્યું છે કે દરેક શાળાની બહાર આવી અઢીથી ત્રણ ફૂટની મૂર્તિ હોવી જોઇએ. ભારતીય સંસ્કૃતિમાં દૈવી સરસ્વતીનું આગવું સ્થાન છે અને તેમના દર્શન કરવાથી શાળાઓમાં શૈક્ષણિક વાતાવરણ પણ ઊભું થશે. જો કે સંચાલકોએ તેમ પણ કહ્યું છે કે લઘુમતી સંસ્થાઓની શાળાઓને આ સંદર્ભમાં બાકાત રાખી શકાય છે. ગુજરાતમાં નવી શિક્ષણ નીતિના અમલને લઇને તૈયારી ચાલી રહી છે અને સરકારે ગયા સપ્તાહની કેબિનેટમાં શાળાના અભ્યાસક્રમમાં ગીતાના અભ્યાસને સમાવિષ્ટ કરવાની જાહેરાત કરી છે, ત્યારે શાળા સંચાલક મંડળે આ મુદ્દે પણ સરકારને કાંઇક વિચારવા ભલામણ કરી છે. આ પત્રમાં મંડળના પ્રતિનિધિઓએ લખ્યું છે કે, વર્ષ 1972ના નિયમ મુજબ કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપી ન શકાય તેવું ઠરાવાયું છે. પણ અહીં અમે સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે શાળામાં સરસ્વતી માતાની મૂર્તિ મૂકવી અને ધાર્મિક શિક્ષણ આપવું તે બંને અલગ બાબતો છે. આથી તેમાં કોઈપણ પ્રકારના નિયમોનો ભંગ થતો હતો.