સાવરકુંડલાના એક રબારી પરિવારે તેમને સ્વપ્નમા થયેલા આદેશને અનુસરી પોતાના ચાર માસના પુત્રને દુધરેજ વડવાળા આશ્રમને અર્પણ કરી દીધો છે. આશ્રમના સંતના જણાવ્યા મુજબ બે વર્ષ બાદ આ બાળકને આશ્રમમા મોકલી દેવાશે.
પોતાના માત્ર ચાર વર્ષના બાળકને આપી દેવાનુ આ કામ અહીના હાથસણી રોડ પર રહેતા રબારી પરિવારે કર્યુ છે. વડવાળા દુધ સેન્ટરના નામે ધંધો કરતા અશોકભાઇ દેવશીભાઇ રબારી અને તેમના પત્ની ભાવનાબેને તેમના ત્રણ સંતાનો પૈકી સૌથી નાનો પુત્ર દેવીદાસને દુધરેજના વડવાળા આશ્રમમા દાનમા આપી દેવાનો નિર્ણય કર્યો છે.
તેમના માતુશ્રીના પાણીઢોળ પ્રસંગે દુધરેજ ધામના પુ.કણીરામબાપુ તેમના નિવાસે આવ્યા હતા. ભાવનાબેનને તેમનો આ પુત્ર આ જગ્યામા આપવાનો સ્વપ્નમા આદેશ થયો હોય તેમણે ચાર માસના પુત્રને કણીરામબાપુના ચરણોમા ધરી દીધો હતો. જો કે હાલમા આ બાળક નાનુ હોય અને તેને માતાની જરૂર હોય આગામી બે વર્ષ સુધી તેને માતાની સાથે જ રાખવા બાપુએ જણાવ્યું હતુ. અને ત્યારબાદ આ બાળકને આશ્રમમા લઇ જવાશે. દુધરેજના વડવાળા આશ્રમમા આ પ્રકારે દાનમા આપી દેવાયેલા 125 બાળકો છે. મહામંડલેશ્વર પુ.કણીરામબાપુ અહી 65 વર્ષથી સેવા આપી રહ્યાં છે. આ મંદિરમા 13 સંતોની સમાધી છે.