ગોધરા,
ગુજરાતને પાણીદાર બનાવવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો રાજ્યવ્યાપી આરંભ કરાવ્યો હતો. જે અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે શ્રમદાન કરી ગામના તળાવને ઉંડુ કરવા શ્રમદાન કર્યું હતું. આજે આ તળાવ નવા નીરથી ભરાઇ ગયું છે.
મુખ્યમંત્રીના શ્રમદાન થકી ઉંડા થયેલા અને વધુ જળ સંગ્રહ થકી વાઘજીપુરના એકે એક ગ્રામજનો આજે ભરાયેલા તળાવથી ખુશ છે.
ખેડૂતો અને પશુપાલકો માટે પાણીની મોટી સમસ્યા હલ થઇ હોવાનું ગામના માજી સરપંચ ઉમેદભાઇ બારીયા જણાવે છે. મોટાભાગે ઉનાળામાં ગામના પશુઓ માટે પીવાના પાણીની મોટી તકલીફ ઉભી થતી હતી. હવે વધારાના પાણીને કારણે આવતા ઉનાળામાં આ મુશ્કેલી નહિ રહે તેવું ઉમેદભાઇ સહિત ગ્રામજનોનું માનવું છે. અને એ માટે તેમણે રાજ્યના મુખ્યમંત્રીશ્નો આભાર પણ માન્યો છે.હવે ઉનાળામાં પણ ખેતી કરી શકીએ તેવી શક્યતાઓ વધી છે. તળાવ ખોદતા નિકળેલી માટી (કાંપ) ગામના ખેડૂતોએ પોતાના ખેતરોમાં પાથરી જમીનની ફળદ્રુપતા વધારી છે એટલે પાક ઉત્પાદન વધવાની શક્યતા પણ રહેલી છે વાઘજીપુરનું ગામ તળાવ ઉંડુ થવાથી તેમાં પાણીનો હવે વધુ જથ્થો સંગ્રહિત થશે. જેના કારણે અડધા-એક કિલોમિટરના ખેતરોમાં ભેજ જળવાઇ રહેશે અને કૂવાના તળ ઉંચા આવશે
પંચમહાલ જિલ્લામાં, જળ સંચયના ૧૩૮૨ કામો લોકભાગીદારીથી હાથ ધરવામાં આવ્યાં હતાં. જિલ્લામાં સારો વરસાદ થતા જળ સંગ્રહના આ કામોને સફળતા મળી છે. જનસેવાના આ કાર્યમાં મેઘરાજાએ પણ પોતાની મહેર કરી છે.