(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
સાગબારા પોલીસે વિદેશી દારૂ અને ગાડી મળી કુલ 2.51 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી એક આરોપી ફરાર.
નર્મદા જિલ્લાની સાગબારા પોલીસે ચોક્કસ બાતમીને આધારે મહારાષ્ટ્રમાંથી પાયલોટિંગ સાથે ગુજરાતમાં લવાતો 1 લાખના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે.પોલીસે વિદેશી દારૂ અને ગાડી મળી કુલ 2.51 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે એક આરોપી ફરાર થઈ જતા પોલીસે એને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
નર્મદા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સાગબારા પોલીસ વિદેશી દારૂની જિલ્લામાં થતી હેરાફેરી ડામવા હાઇવે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોની અડીને આવેલા નર્મદા જિલ્લાના હાઇવે વિસ્તારોમાં ચેકીંગ હાથ ધર્યું હતું.દરમિયાન ચોક્કસ બાતમીને આધારે સાગબારાના ગોદડા ત્રણ રસ્તા પાસે ચેકીંગ હાથ ધર્યું હતું.દરમિયાન ત્યાંથી એક બાઈકના પાયલોટિંગ સાથે આવી રહેલી એમએચ-18-ડબ્લ્યુ -0093 નંબરની બોલેરો ગાડી શંકાસ્પદ લાગતા એને રોકી હતી.ત્યારે આગળ ચાલતી બાયકનો ચાલક ફરાર થઈ ગયો હતો.બાદ એમાં ચેકીંગ હાથ ધરતા એમાંથી 1,00,800 રૂપિયાની વિદેશી દારૂની 252 નંગ બોટલો મળી આવી હતી.પૂછતાછ દરમિયાન ગાડીમાં સવાર ચાલકે પોતાનું નામ રાકેશ નારસિંગ પાવરા તથા અન્યએ પોતાનું નામ કિશન પાવરા (બન્ને રહે. સિનાલકુવા,તા.ધડગાવ,જી.નંદુરબાર મહારાષ્ટ્ર) બતાવ્યું હતું.જ્યારે આગળ પાયલોટિંગ કરી રહેલ બાઈક ચાલકનું નામ ઉમેશ જયસિંગ વસાવા રહે.ખોપી,તા.સાગબારા. જી-નર્મદા જણાવ્યું હતું.બાદ સાગબારા પીઆઇ ડી.એમ.દિવાવાલાએ ગુનો નોંધી બન્ને આરોપીઓને વિદેશી દારૂ,બોલેરો ગાડી,2 મોબાઈલ મળી કુલ 2,51,800 રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે સાથે સાથે ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે.