સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાઇક ચોરીને અંજામ આપી તરખાટ મચાવતી કોટડા ગેંગના બે મુખ્ય આરોપીઓને ચોરીની 23 બાઇકો સાથે ઝડપી લઇ કુલ રૂપિયા 5,20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ તેમના અન્ય 7 સાગરીતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન ચોક્કચ બાતમી મળી હતી કે, રાજસ્થાનની બાઈકો ચોરીઓ કરતા ભરત ઉર્ફે ટીનીયાભાઇ પારઘી (રહે.સાવનક્યારા, કોટડા પોલીસ સ્ટેશન, તા.કોટડા, જિ.ઉદેપુર, રાજસ્થાન) વાળો હિરોહોન્ડા સ્પ્લેન્ડર જીજે.09.સીબી.8882 તથા વિક્રમ ઉર્ફે વિરૂ ખેર બજાજ પ્લેટીના બાઈક નંબર જીજે.09.સીટી.3973 લઇને નિકળેલ છે. જે ખેડબ્રહ્માથી ઇડર તરફ આવી રહ્યા છે.
આ બાતમીના અધારે ખેડબ્રહ્માથી ઇડર માથાસુર ગામની સીમમાં શંકાસ્પદ બાઈકની વોંચમાં હતા. તે દરમિયાન તેમને રોકીને તપાસ કરતા તેણે પોતાનુ નામ ભરત ઉર્ફે ટીનીયાભાઇ પારઘી હોવાનુ જણાવ્યુ હતુ. જે દરમિયાન બાતમી મુજબનુ બીજુ પ્લેટીના બાઈક લઇને એક આવેલા શખ્સને ઉભો રાખીને તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ વિક્રમ ઉર્ફે વિરૂ ખેર હોવાનુ જણાવ્યુ હતુ. જેની પુછપરછ દરમિયાન આરટીઓ પાર્સીંગના તથા અન્ય કોઇ દસ્તાવેજી કાગળ કે પુરાવા મળ્યા ન હતા. જે અંગેની વધુ તપાસ કરતા આ બાઇક ચોરીનુ હોવાનુ માલુમ પડયુ હતું તથા હ્યુમન ઇન્ટેલીજેન્સી તથા ટેકનીલક સર્વેલન્સના આધારે તપાસ કરવામાં આવતા આ બન્ને શખ્સો પાસેથી વધુ બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
આ બન્ને ચોરોએ ભેગા મળીને ચોરેલી બાઇકોમાંથી કેટલીક બાઈકો ભરત પારઘીના ગામ સાવનક્યારા ખાતે છુપાવીને રાખી હતી. જ્યારે વિક્રમ એ પણ સોન્દ્રફ ગામે ચોરી કરેલી બાઈકો છુપાવી હોવાનું જણાવતા પોલીસે ચોરેલી બાઇકો કુલ 23 મળી કુલ રૂપિયા 5,20,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.