લોકસભા પૂર્વે આવતા મહિને પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી યોજવાની છે. ચૂંટણીપંચે તમામ પાંચ રાજ્ય માટે મતદાનની તારીખ અને મતગણતરીની તારીખની જાહેરાત કરી દીધી છે. એવામાં રાજસ્થાનમાં 200 સીટો માટે વિધાનસભા ચૂંટણી 23 નવેમ્બરે યોજવાની હતી જે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં હવે મતદાન કરવા માટેની તારીખ 25 નવેમ્બર રહેશે. મતગણતરીના કાર્યક્રમમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. મતગણતરી 3 ડીસેમ્બરના રોજ જ યોજાશે.
ચૂંટણી પંચે જાહેર કર્યું કે, 23 નવેમ્બરે રાજ્યમાં મોટાપાયે લગ્નના કાર્યક્રમો છે. આ ઉપરાંત સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન થવાનું છે. તેને જોતા અનેક રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોએ મતદાનની તારીખ બદલવાની અપીલ કરી હતી. તેને ધ્યાનમાં રાખીને અમે મતદાનની તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. 23 નવેમ્બરે દેવોત્થાન એકાદશી છે. આ દિવસ લગ્ન કરવા માટે શુભ માનવામાં આવે છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક સાંસદે ચૂંટણીની તારીખોમાં ફેરફાર કરવાની માંગ કરી હતી. પાલીના ભાજપના ધારાસભ્ય પી.પી. ચૌધરીએ ચૂંટણી પંચને ઔપચારિક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કારણ આપતા જણાવ્યું હતું કે, દેવ ઉઠી એકાદશી અને રાજ્યમાં 50 હજાર લગ્નોના આયોજનની વાતના આધારે મતદાન તારીખમાં ફેરફાર કરવામાં આવે. સાંસદનું કહેવું હતું કે, તહેવાર અને લગ્નો ઉત્સવના કારણે રાજ્યમાં મતદાનની સંખ્યામાં ઘટાડો નોંધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.