પેપર લીક મામલે સોમવારે જયપુરમાં મોટી કાર્યવાહી જોવા મળી છે. જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મોટી કાર્યવાહી કરીને કોચિંગ સેન્ટરની ઇમારતને બુલડોઝરની મદદથી જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. ઓથોરિટીનું કહેવું છે કે ઈમારત અતિક્રમણ દ્વારા બનાવવામાં આવી હતી.
રાજસ્થાનના જયપુરમાં સોમવારે શિક્ષક ભરતી પેપર લીક મામલામાં પેપર લીકના આરોપીઓના કોચિંગને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝોન-5 ગુર્જર કી થડી, ગોપાલપુરા બાયપાસ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં અધિગમ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટનું બિલ્ડીંગ તોડી પાડવામાં આવ્યું હતું. જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, રોડ સીમા પર ગેરકાયદે કબજો-અતિક્રમણ પર આ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે ત્રણ દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ બિલ્ડિંગના માલિક અનિલ અગ્રવાલ, સુરેશ ઢાકા, ભૂપેન્દ્ર સરન અને ધર્મેન્દ્ર ચૌધરી સહિત ચાર કોચિંગ ઓપરેટરોને નોટિસ આપી હતી. ઓથોરિટીની સૂચના મુજબ, કોચિંગ બિલ્ડિંગ બે રહેણાંક પ્લોટને મર્જ કરીને બનાવવામાં આવ્યું હતું. કોચિંગ આવેલા કોર્નર પ્લોટમાં સરકારી જમીન પર અતિક્રમણ હતું. નોટિસનો 3 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો હતો.