રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે ભજન લાલ શર્મા એ શપથ ગ્રહણ કર્યા છે અને તેમની સાથે જ દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે.
ભજનલાલ શર્માનો મુખ્યમંત્રીનો શપથ સમારોહ ઐતિહાસિક આલ્બર્ટ હોલની બહાર યોજાયો હતો જેમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ભજનલાલ શર્માને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આ ઉપરાંત દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં 33 વર્ષ બાદ બ્રાહ્મણ સમુદાયનો વ્યક્તિ મુખ્યમંત્રી બન્યો છે.
ભરતપુરના રહેવાસી ભજનલાલ શર્મા લાંબા સમયથી ભાજપ માટે કામ કરી રહ્યા છે અને તેઓ પ્રદેશ મહામંત્રી તરીકે કાર્યરત હતા. ભાજપે તેમને પહેલીવાર જયપુરના સાંગાનેર જેવી સુરક્ષિત બેઠક પરથી ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા હતા. તેઓ પહેલી જ વાર વિધાનસભાની ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બન્યા છે. આ વખતે ભાજપે તત્કાલીન સભ્ય અશોક લાહોટીની ટિકિટ કાપીને ભજનલાલ શર્માને ઉમેદવાર જાહેર કર્યા હતા.
રાજસ્થાનની કુલ 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો માટે 51 હજારથી વધુ મતદાન મથકો પર 25 નવેમ્બરે મતદાન થયું હતું. ત્રીજી ડિસેમ્બરે તેના પરિણામ જાહેર કરાય હતા, જેમાં ભાજપને 115 અને કોંગ્રેસને 69 બેઠકો મળી હતી. રાજસ્થાનમાં ભાજપે મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કર્યા વગર જ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.