રાજપીપલા, આરીફ જી કુરેશી
નર્મદા ડેમમાં ૬૯,૩૧૯ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૬૮,૫૨૧ ક્યુસેક પાણીનો આઉટફલો : ડેમના ૩ દરવાજા ખોલાયાં ૨૪ કલાકમાં ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૨૮૬ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા ૨,૦૪૮ મેગાવોટ વિજ ઉત્પાદન.
રાજપીપલા, નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોનીના સરદાર સરોવર-નર્મદા ડેમ ખાતે આજે તા. ૧૦ મી ઓક્ટોબર, ૨૦૧૯ ને ગુરૂવારના રોજ બપોરે ૧:૦૦ કલાકે ડેમની જળ સપાટી ૧૩૮.૫૫ મીટરે સપાટી નોંધાઇ હોવાના અહેવાલ કેવડીયા કોલોની ખાતેના નર્મદા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. તેની સાથોસાથ આજે બપોરે ૧:૦૦ કલાકે નર્મદા ડેમના ૩ દરવાજા ખુલ્લા હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઇ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આજે તા. ૧૦ મી ઓક્ટોબરના રોજ બપોરે ૧:૦૦ વાગ્યાની પરિસ્થિતિએ નર્મદા ડેમમાં ૬૯,૩૧૯ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૬૮,૫૨૧ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હતો. તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે અને આજે તા. ૧૦ મી ઓક્ટોબર, ૨૦૧૯ ના રોજ સવારના ૮:૦૦ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન R.B.P.H -ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૨૮૬ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H- કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૨,૦૪૮ મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયેલ છે.