ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ-૧૦(SSC) અને ધોરણ-૧૨(HSC) ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની જાહેર પરીક્ષાઓનો આજે નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનાં પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ આજે તા.૧૫ મી જુલાઇ, ૨૦૨૧ ના રોજ પ્રથમ દિવસે સવારે ધોરણ- ૧૦ માં ગુજરાતી વિષયની પરીક્ષા માટે નોંધાયેલા કુલ-૮૩૭ વિદ્યાર્થીઓ પૈકી ૭૨૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૧૦૯ વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહ્યાં હતાં. તેમજ અંગ્રેજી (જૂના કોર્ષ) વિષયની પરીક્ષા માટે નોંધાયેલા તમામે તમામ ૧૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાં એક પણ વિદ્યાર્થી ગેરહાજર રહેલ નથી.
તેવી જ રીતે, આજે સવારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં કોમ્પ્યુટર વિષયની પરીક્ષામાં નોંધાયેલા કુલ-૩૧ વિદ્યાર્થીઓ પૈકી ૨૭ ની હાજરી અને ૦૪ વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી.
જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલે આજે સવારે રાજપીપલાની શ્રી નવદુર્ગા હાઇસ્કૂલ, આદર્શ નિવાસી શાળા અને શ્રી એમ.આર.વિદ્યાલય ખાતેના પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઇ પરીક્ષા સંચાલનની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. તદ્ઉપરાંત તેમણે રાજપીપલાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે કાર્યરત પરીક્ષાલક્ષી ઝોનલ કચેરીની પણ મુલાકાત લઇ પરીક્ષાલક્ષી થઇ રહેલી કામગીરી નિહાળી હતી.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના પરીક્ષા કંટ્રોલકક્ષ તરફથી બપોર બાદ પ્રાપ્ત થયેલાં અહેવાલ મુજબ જિલ્લામાં આજની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન કોઇ ગેરરીતી કે અનિચ્છનીય ઘટના નોંધાયેલ નથી. આજે તા.૧૫ મી જુલાઇ, ૨૦૨૧ ના રોજ પ્રથમ દિવસે બપોરે ધોરણ- ૧૦ માં નામાના મૂળતત્વો વિષયની પરીક્ષા માટે નોંધાયેલા કુલ-૧૧૯ વિદ્યાર્થીઓ પૈકી ૧૦૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૧૪ વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહ્યાં હતાં.
તેવી જ રીતે, આજે બપોરે ધોરણ-૧૨(HSC) વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષામાં ગુજરાતી-અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા કુલ-૩૭૫ વિદ્યાર્થીઓ પૈકી ૩૫૪ ની હાજરી અને ૨૧ વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહ્યાં હતાં.
જ્યોતિ જગતાપ, રાજપીપલા