રાજપીપલામા તા. 12 એ ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલીવાર કોવીડ 19 ના પ્રોટોકોલ પ્રમાણે નીકળશે. આ રથયાત્રામા 60 વધુ લોકોને ભેગા કરી શકાશે નહીં. તેમજ આ વખતે ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ વગેરે રથયાત્રા/શોભાયાત્રામાં ભાગ લેવા પ્રતિબંધ મુકાયો છે. તથા પુજાવિધિમાં ભાગ લેનાર તમામે રથયાત્રાના ૪૮-કલાક પહેલા કરાવેલ RTPCR ટેસ્ટ નેગેટીવ હશે તેઓ જ સામેલ થઇ શકશે.
આ અંગે નર્મદા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ રાજ્યમાં પ્રતિવર્ષ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા/શોભાયાત્રા કાઢી હર્ષ અને ઉલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પણ રાજયમાં ચાલુ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા/શોભાયાત્રા કાઢવા માટે મંજુરી આપવા રાજ્ય સરકારને મૌખિક અને લેખિત વિવિધ રજુઆતો મળેલ છે. આ રજુઆતો તથા રાજયની હાલની કોરોના સંક્રમણની પરિસ્થિતિની રાજ્ય સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવેલ છે.
આગામી અષાઢી બીજ એટલે કે તા.૧૨.૦૭.૨૦૨૧ના રોજ રાજયમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા/શોભાયાત્રાને નીચેની શરતો) નિયંત્રણોને લક્ષમાં રાખી સ્થાનિક વહીવટીતંત્રએ મંજૂરી અંગેનો નિર્ણય લેવાનો રહેશે.સ્થાનિક વહિવટી તંત્રએ સબંધિત મંદિર/ટ્રસ્ટ/આયોજકો સાથે ચર્ચા કરી ટૂંકામાં ટૂંકો માર્ગ નક્કી કરવાનો રહેશે. રથયાત્રા/શોભાયાત્રા નક્કી કરેલ માર્ગ ઉપર મહત્તમ ૫ (પાંચ) સંખ્યાનારથ /વાહન સાથે નિકળશે. પરંતુ, અખાડા, ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ વિગેરેરથયાત્રા/શોભાયાત્રામાં ભાગ લઇ શકશે નહીં. કેટલીક રથયાત્રાઓ/શોભાયાત્રાઓ યાંત્રિક વાહનો ઉપર અથવા યાંત્રિક વાહનો/ખલાસીઓ દ્વારા ખેંચવામાં આવે છે. જેથી, સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરીયાતોને ધ્યાને રાખી રથયાત્રા/શોભાયાત્રામાં ભાગ લેનાર ખલાસીઓની સંખ્યા ઓછામાં ઓછી રાખવાની રહેશે અને, કોઇ પણ સંજોગોમાં એક સાથે ૬૦ થી વધારે ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. રથયાત્રા/શોભાયાત્રામાં ભાગ લેનાર વાહન ચાલકો, ખલાસીઓ, મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો/સંચાલકો અને પુજાવિધિમાં ભાગ લેનાર તમામે રથયાત્રાના ૪૮-કલાક પહેલા કરાવેલ RTPCR ટેસ્ટ નેગેટીવ હશે તેઓ જ સામેલ થઇ શકશે. આ તમામે COVID-19 વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોવો જોઇશે. જોકે બંને ડોઝ લીધેલા હોય તે હિતાવહ રહેશે. તમામે coVID-19 પ્રોટોકલનું પાલન કરવાનું રહેશે. રથયાત્રા દરમિયાન રથયાત્રામાં સામેલ રથ વાહન વચ્ચે યોગ્ય અંતર જાળવવાનું રહેશે. COVID-19ના સંક્રમણને ધ્યાને લેતા રથયાત્રા /શોભાયાત્રા દરમિયાન માર્ગ ઉપર પ્રસાદ વિતરણ થઈ શકશે નહી. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા