રાજપીપલાના કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજે 1.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 50 કિ.મી. નોંધાયું હતું.
જોકે નર્મદા ડેમને કોઈ ખતરો નથી, કારણ કે નર્મદા ડેમ 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ સુરક્ષિત છે. સરદાર સરોવર ડેમની ડિઝાઈન અને બાંધકામ રિક્ટર સ્કેલ મેગ્નિટ્યૂડ અનુસાર, 6.5ની તીવ્રતા માટે અને ધરતીકંપનું કેન્દ્ર સરદાર સરોવર ડેમથી 12 કિ.મી.ની ત્રિજ્યામાં હોય તોપણ સલામત રહે એ રીતે કરવામાં આવ્યાં છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે પણ આ જ પ્રકારે ચુસ્ત ધારાધોરણ અપનાવવામાં આવ્યું છે. આમ, ધરતીકંપને કારણે સરદાર સરોવર ડેમ, એના અન્ય ભાગો તેમજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને કોઈપણ પ્રકારની વિપરીત અસર અનુભવાઈ નથી અને ઇજનેરી કૌશલ્યના પ્રતીક સમા આ બંને સ્ટ્રક્ચર્સ સંપૂર્ણપણે સલામત છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઉપર 6.5 ની તીવ્રતાના ભૂકંપ તથા કલાકના 220 કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવનની અસર નહીં થાય. પ્રતિમાના નિર્માણમાં 85 ટકા તાંબાનો ઉપયોગ કરાયો હોવાથી હજારો વર્ષો સુધી કાટ નહીં લાગે.