આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાનો ઉપર તેમજ તેમના પરિવાર ઉપર વારંવાર હુમલાઓ રોકવા અને સલામતી પૂરી પાડવા અંગે નર્મદા આમ આદમી પાર્ટીએ નર્મદા કલેકટરને આવેદન આપ્યું હતું.
આવેદનમાં કલેક્ટરના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીજીને ઉદ્દેશીને જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી તેમજ મહેશભાઈ સવાણી સહિતના નેતાઓ ઉપર વારંવાર હુમલાઓ કરવાની અનેક ઘટનાઓ બની આવી છે. અત્યાર સુધીનાં દરેક હુમલામાં પકડાયેલા કે ઓળખાયેલાં અસામાજિક તત્વોનું સત્તાધારી ભાજપ પક્ષ સાથે કનેકશન હોવાનું સામે આવ્યું છે.
આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ ઉપર છાશવારે હિંસક હુમલાઓ કરવા તે સદંતર અયોગ્ય અને અસ્વીકાર્ય છે. વિચારધારાની લડાઈમાં હિંસાને કોઈ સ્થાન હોવું જોઈએ નહિ ત્યારે આમ આદમી પાર્ટીની ટીમની રજૂઆત છે કે, અત્યાર સુધી બનેલી હુમલાની ઘટનાઓની તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ પાર્ટીના પ્રદેશના નેતાઓને પૂરી સલામતી પૂરી પાડવામાં આવે અને તેમના પરિવારના સભ્યોને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે. વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ ઉપર ઉપર અમો ભરોસો કરીયે છીએ કે ભવિષ્યમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કે તેમના પરિવાર ઉપર અસામાજિક તત્વો હુમલો ન કરે તે અંગે પૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. જો અમારી માંગણીને ગંભીરતાથી ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો આવનારા દિવસો અમો આમ આદમી પાર્ટી અહિંસાના માર્ગે, શાંતિથી સરકાર સામે પ્રદર્શન કરવા મજબુર બનશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
જ્યોતિ જગતાપ, રાજપીપલા