નર્મદાના ચિનકુવા ગામની પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું હતુ. જેના અનુસંધાને ગરૂડેશ્વર તાલુકાના ચિનકુવા ગામની પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે પાણી પુરવઠા વિભાગે કર્યું આયોજન શરૂ કર્યું હતું.
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના જંગલ વિસ્તારમાં ચિનકુવા ગામે પીવાના પાણીની સમસ્યાઅંગે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઇજનેર દ્વારા સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે, ચિનકુવા ગામની પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ થાય તે માટે પ્રગતિ હેઠળની કરજણ જમણા કાંઠા જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ચિનકુવા ડુંગરની તળેટીમાં માંડણ ગામે ૨(બે) લાખ લીટર ક્ષમતાનો આઇ.પી.એસ. બનાવી ત્યાંથી પમ્પીંગ કરી ચિનકુવા ખાતે નવીન ૫૦ હજાર લીટર ક્ષમતાના સંપ સુધી પાણી પહોંચાડી સદર યોજનાનું શુધ્ધ પાણી પહોંચાડવાનું આયોજન કરેલ છે. વધુમાં સદર કરજણ જમણા કાંઠા જુથ પાણી પુરવઠા યોજના હેઠળના ઉમરવા જોષી સબ હેડવર્કસથી માંડણ ગામ સુધી પાઇપ લાઇન નાંખવાની કામગીરી પૂર્ણ કરેલ છે. તથા ચિનકુવા ફળીયા સુધી પાણી પહોંચાડવા માટેની અન્ય યોજનાકીય કામગીરી પ્રગતિ હેઠળ છે, જે ટૂંક સમયમાં યોજનાકીય કામગીરી પૂર્ણ કરીને ચિનકુવા ફળીયાને ઝડપથી પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે મુજબની કાર્યવાહી હાથ ધરાયેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગરૂડેશ્વર તાલુકાના ચિનકુવા ફળીયું, માંડણ(ગોરા) ના પરા તરીકે ઓળખાય છે. જેની હાલની વસ્તી આશરે ૫૦૦ માણસોની છે. માંડણ ગોરા(ચિનકુવા) ગામનો નીચાણવાળો ભાગ અને પહાડ ઉપર વસેલો ભાગ એમ બે ભાગમાં આ ગામ વહેંચાયેલું છે, જે પૈકી નિચાણમાં પંપીગ મશીનરી સહિતના ૩ બોર, સોલાર આધારિત મીની યોજના-૧ તથા હેડપંપ મારફતે પીવાનું પાણી મેળવે છે. જ્યારે ઉંચાઇ પર પહાડોમાં વસેલ વિસ્તારમાં એટલે કે ચિનકુવા ફળીયામાં આશરે ૬૦ જેટલા ઘરો આવે છે. ત્યાં પીવાના પાણીના ઉપયોગ માટે ૧૫ ફુટ ઉંડો કૂવો આવેલ છે અને ફળીયાના લોકો ત્યાંથી પીવાનું પાણી મેળવે છે. હાલ ઉનાળા દરમિયાન પાણીના સ્તર નીચે જતા રહેલ હોઇ પીવાના પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ હોઇ, ઉક્ત દર્શાવ્યા પ્રમાણેના આયોજન મુજબ પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ કરાશેતેમ જણાવેલ છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા