આજે વિશ્વ યોગ દિને સમગ્ર ગુજરાતમાં કોવિડ વેક્સિનેશનના પ્રારંભાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં સંસદસભ્ય મનસુખભાઈ વસાવા, જિલ્લા કલેકટર ડી.એ.શાહની ઉપસ્થિતિમાં રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે, દેડીયાપાડાની નિવાલ્દા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નાંદોદ તાલુકાના હજરપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય પી.ડી.વસાવા, ગરૂડેશ્વર તાલુકાના સમારીયા ગામની પ્રાથમિક શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત, વડિયા ગામની પ્રાથમિક શાળા ખાતે પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો નર્મદા જિલ્લામાં પ્રારંભ કરાયો હતો.
આજે ૪ હજાર જેટલા લાભાર્થીઓને રસીકરણ હેઠળ આવરી લેવાના લક્ષ્યાંક સામે બપોરનાં ૨-૦૦ સુધીમાં ૧૮૫૮ ના રસીકરણ સાથે ૪૬% સિધ્ધી હાંસલ કરાઇ હતી. રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે યોજાયેલા કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો શુભારંભ કરાયા બાદ માધ્યમો સાથેના સંવાદમાં સંસદસભ્ય મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટરશ ડી.એ.શાહ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ રસીકરણના રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી પડતી હોય તેવા લાભાર્થી નાગરિકો માટે સ્થળ ઉપર ઓન ધી સ્પોટ-તાત્કાલિક રજીસ્ટ્રેશનની માટેની ઉભી કરાયેલી સુવિધા અંતર્ગત થઇ રહેલી કામગીરી ઉપરાંત લાભાર્થીઓને અપાઈ રહેલી રસીની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યુ હતું. રસીકરણ બાદ ઓબ્ઝર્વેશન રૂમમાં ઉપસ્થિત લાભાર્થીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમના ખબર-અંતર પણ તેમણે પૂછ્યા હતા.
આજે રસીકરણ બાદ લાભાર્થીઓએ રસીકરણ કેન્દ્રમાં તેમના સેલ્ફી-ફોટો પણ લીધા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં ૪૦ જેટલી જગ્યાએ વેક્સિનેશન કેન્દ્રો ચાલુ કર્યા છે અને તેમાં આજે ૪ હજાર જેટલા લાભાર્થીઓને રસીકરણ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક છે. વેક્સિનેશન કેન્દ્ર ખાતે સ્થળ પર જ તાત્કાલિક રજીસ્ટ્રેશન થઇ જાય અને વેક્સિન મળી જાય તે રીતની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. હવે પછી આગામી દિવસોમાં પણ લોકોને ઘરના નજીકના સ્થળે સરળતાથી વેક્સિન મળે તેવા તમામ પ્રયાસો કરાશે. વૈજ્ઞાનિકોએ ત્રીજી લહેરની આપેલી ચેતવણીની સામે આ વેક્સિન રક્ષણ આપશે તેવી અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી.
રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પ્રથમ ડોઝ લેનાર વિલાસબેન કઠવાડિયાએ તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, રસીકરણ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની મને સમજણ નથી. છતાં અહિયાં જ્યાં વેક્સિન મૂકી છે ત્યાં આવીને રજીસ્ટ્રેશન કરાવી લોકો તુરત જ વેક્સિન મુકાવી શકે છે મેં પણ આજે રસી મુકાવી છે, ત્યારે લોકોએ પણ કોઈપણ જાતનો ડર રાખ્યા વિના રસી મુકાવવી જોઇએ. ડાયાબિટીસવાળા દર્દીઓએ પણ ડરવાની કોઇ જરૂર નથી. રસીકરણ આપણા સારા માટે છે, સરકારે સ્પોટ રજીસ્ટ્રેશનનું નક્કી કર્યું છે તે અભિગમ ખૂબ જ આવકારદાયક છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા