રાજપીપળા ગ્રામીણ બેંકમાં સ્ટાફને અભાવે ધિરાણ બંધ! સ્ટાફની ભરતી કરવા ડિરેક્ટરની રજૂઆત.
વર્ષોથી કરેલા ધિરાણની વસુલાત થતી નથી,ધિરાણ મેળવવા ખેડૂતોને ધક્કા ખાવા પડતા હોવાનો ડિરેકટર પંકજ વ્યાસનો આક્ષેપ,જો કાર્યવાહી નહિ કરાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી.વિશાલ મિસ્ત્રી રાજપીપળા:ધ.ગુ.સ્ટે.કો.એગ્રી.એન્ડ,રૂરલ ડેવલપમેન્ટ બેંક લી ની એક શાખા છેલ્લા ઘણા વર્ષોથી રાજપીપળામાં કાર્યરત છે.તો આ બેંકની રાજપીપળા શાખા હાલ મૃતપાય હાલતમાં હોવાનો આક્ષેપ છેલ્લા 20 વર્ષોથી ચૂંટાતા આવતા સભ્ય પંકજ વ્યાસે લગાવવાની સાથે આ માટે ચેરમેન,એમડી,વા.ચેરમેન અને અન્ય ડિરેક્ટરોને ગણાવતા ખળભળાટ મચી ગયો છે.પંકજ વ્યાસે ગંભીર આક્ષેપો સાથે ધ.ગુ.સ્ટે.કો.એગ્રી.એન્ડ,રૂરલ ડેવલપમેન્ટ બેંક લી ના ચેરમેન,એમડી,વા.ચેરમેન અને ડિરેક્ટરોને લેખિતમાં રજૂઆત પણ કરી છે જેમાં જણાવ્યું છે કે રાજપીપળા શાખામાં છેલ્લા ઘણા વર્ષોથી કાયમી પોસ્ટ ઉપર કર્મચારી ન હોવાને કારણે ધિરાણ બંધ થઈ ગયું છે.આ મામલે અગાઉ પણ રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.આ બેંક મૃતપાયે થવાના આરે છે એના તમે જ જવાબદાર છો.નર્મદા જિલ્લાની એક માત્ર ખેડૂતો માટેની આ બેંકની કોઈ દરકાર કરતું નથી.નર્મદા જિલ્લાના તમામ 5 તાલુકાઓમાં કોઈ પણ જગ્યાએ ખેડૂતોની આ બેંકને ધ્યાને લેવાતી નથી.વર્ષોથી કરેલા ધિરાણની વસુલાત માટે કોઈ યોગ્ય પગલાં ભરાતા નથી,ડિપોઝિટરોને વારંવાર ધક્કા ખાવા પડે છે,ધિરાણ લેવા ખેડૂતોને વલખા મારવા પડે છે,આપણી બેંક ધિરાણ ન કરી શકવાના કારણે ખેડૂતોએ અન્ય બેંકોનો સહારો લેવો પડે છે.આ પત્ર બાદ જો બેંકના હિત માટે યોગ્ય કાર્યવાહી ન કરાઇ તો અન્ય ખેડૂતો અને બેંકના ડિરેક્ટરો સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.વ્હાલા દવલાની નીતિને ખંખેરી બેંકના વિકાસને ધ્યાનમાં રાખવો જોઈએ.લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી આ બેંક અને એની જગ્યા કોઈ ઉપયોગમાં ન આવે એ વહીવટ યોગ્ય ન કહેવાય.