વૈશ્વિક કોરોનાની મહામારીને અનુલક્ષીને કોરોનાના સંક્રમણને ઘટાડવાની સાથોસાથ નર્મદા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સુવિધાઓ વિસ્તારવા જિલ્લા પ્રસાશન દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોના ભાગરૂપે “P.M. CARE FUND” હેઠળ DRDO દ્વારા નર્મદા જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલને દૈનિક અંદાજે ૧.૮૭ મેટ્રીક ટન ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતાવાળા પ્લાન્ટની ભેટ મળેલ છે, જેને આજે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેનશ્રી તથા જિલ્લાના અગ્રણીશ્રી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, પ્રયોજના વહિવટદાર બી.કે.પટલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, CDMO, સિવિલ સર્જન અને કોવિડ-૧૯ હોસ્પિટલના નોડલ અધિકારીશ્રી ડૉ. જ્યોતિબેન ગુપ્તા સહિત જિલ્લા વહિવટી-આરોગ્યતંત્રના અન્ય અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. શ્રી વસાવાએ પ્લાન્ટની સ્વીચ ઓન કરીને ઓક્સિજન ઉત્પાદન માટે આ પ્લાન્ટ ખૂલ્લો મુક્યો હતો.
આ પ્રસંગે સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે ઓક્સિજનની ઉભી થયેલી તાતી જરૂરીયાતને લક્ષમાં લઇ, જિલ્લા વહિવટીતંત્રએ રાજ્ય સરકાર સાથે મળીને તત્કાલ ઓક્સિજન પૂરતાં પ્રમાણમાં મળી રહે તે માટે કરાયેલા પ્રયાસોના ફલ સ્વરૂપે જે તે સમયે અહીં ઓક્સિજનના બે પ્લાન્ટ નાંખવામાં આવ્યાં છે. હવે ભવિષ્યમાં ગમે તેટલી મહામારી હોય તો પણ ઓક્સિજનની માંગને સરળતાથી પહોંચી વળવા જિલ્લા વહિવટીતંત્રએ ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે. ડી.આર.ડી.ઓ-ભારત સરકાર તરફથી એક નવા પ્લાન્ટની આજે સ્થાપના થઇ છે. ઓક્સિજન અને વેન્ટીલેટર સાથે ૧૦૦ જેટલા દરદીઓને એક સાથે પહોંચી વળે તેવી ક્ષમતાવાળો આ ઓક્સિજન પ્લાન્ટ છે. શ્રી વસાવાએ જિલ્લામાં ઓક્સિજનની આ સુવિધા ઉપલબ્ધિ માટે જિલ્લા વહિવટીતંત્ર-કલેક્ટરની “ટીમ નર્મદા“ ને ખાસ અંભિનંદન પાઠવી આવનારા દિવસોમાં કોરોનાની આ મહામારીને આપણે સંપૂર્ણ રીતે નાથી શકીશું, તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે,સૌથી પહેલા ઓક્સિજન લાઇન ઇન્સ્ટોલ કરી અને ત્યારબાદ ઓક્સિજન સિલીન્ડર આપણે લઇ શક્યાં છીએ. ત્યારબાદ ૧ હજાર લીટરની બે મોટી લિક્વીડ ઓક્સિજન ટેન્ક, ત્યારબાદ ૨૦૦ લીટરની બે નાની લિક્વીડ ઓક્સિજન ટેન્ક અને ત્યારબાદ CSR ના ભાગરૂપે હેમાણી ઇન્ડસ્ટ્રીઝનો ૧ ટનનો પ્લાન્ટ અને તે પછી સન ફાર્માસ્યુટિકલનો ૧ ટનનો પ્લાન્ટ CSR ના ભાગરૂપે તથા આજે સંસદસભ્યશ્રીએ જે રીતે આ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે તે મુજબ ભારત સરકારના “ P.M. CARE FUND “ માંથી એક ઓક્સિજન પ્લાન્ટ આપણને મંજૂર થયો હતો, જેમાં DRDO એ ઓક્સિજન પ્લાન્ટનું કામ કર્યું અને તેનું સિવીલ વર્ક-ઇલેક્ટ્રીકલ વર્ક નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા થયું છે. આ ખૂબ મોટો બે ટનનો પ્લાન્ટ છે અને હજુ એક ચોથો પ્લાન્ટ પણ નર્મદા જિલ્લાને મળી રહ્યોં હોવાનું તેમણે ઉમેર્યું હતું.
જિલ્લા કલેક્ટર શાહે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની આ મહામારીમાં સૌ પ્રથમ આપણી પાસે માત્ર ૮ ઓક્સિજન બેડ હતી. ૮ ઓક્સિજન બેડમાંથી તમામ લોકોના સહિયારા પ્રયાસોથી આપણે ૮૦ બેડ કરી અને હવે ૧૭૦ ઓક્સિજન બેડની સુવિધા કરી દીધી છે અને તમામ ૧૭૦ બેડ પર સતત ઓક્સિજનનો પુરવઠો મળતો રહે તેવી સઘળી વ્યવસ્થા આપણે કરી છે. સિલીન્ડર મારફત ઓક્સિજન મળે અને ટેન્ક મારફત પણ લિક્વીડ ઓક્સિજન મળે તેમજ ઓક્સિજન પ્લાન્ટ મારફત પણ ઓક્સિજન મળે, એમ ત્રણેય રીતે ઓક્સિજનની જરૂરિયાત પુરી કરવાની બાબતને આપણે આવરી લીધેલ છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા