નર્મદાના આદિવાસી અંતરિયાળ વિસ્તારમા છેલ્લા બે વર્ષથી કોરોના લોકડાઉનમા શાળાઓ બંધ છે, શિક્ષણકાર્ય બંધ છે. દર વર્ષે જૂનમા માસમા શિક્ષણના નવા સત્રમા શાળા પ્રવેશોત્સવ કરાવી નવા ધોરણમા પ્રવેશ મેળવનાર બાળકોનો રંગેચંગે શાળા પ્રવેશોત્સવ કરાવતા હતા પણ બે વર્ષથી કોરોનાને કારણે શાળા પ્રવેશોત્સવ બંધ છે. ત્યારે નર્મદાની સૌ પ્રથમ એક માત્ર બોરીદ્રા ગામમા કોરોના કાળમાં પણ અનોખી રીતે શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.
જેમાં ગામની દીકરીઓનું શિક્ષણ ન બગડે તે માટે ” બેટી બચાવો, બેટી પઢાવો “ના સૂત્રને સાર્થક કરતું શિક્ષણ બોરીદ્રા ગામમા દીકરીઓને ઘરે ઘરે જઈને નોટબુક સાહિત્ય વિતરણ સાથે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
જેના અનુસંધાને બોરીદ્રા ગામમા કેટલાક દાતાઓ આગળ આવ્યા. જેમાં મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા 560 નોટબુકો અને ડો.મહાજન દ્વારા શાળાની દીકરીઓને 400 નંગ સેનેટરી પેડ અને સુકભાઈ વસાવા દ્વારા 140 બાળકોને માસ્ક અને ધોરણ 1 ના બાળકોને ફળિયા શાળા પ્રવેશોત્સવ કરાવી સુનિતાબેન ચૌધરી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોના સામે જાગૃતિ સંદેશ સાથે તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરીને બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાઓ બંધ હોવાથી કોરોના ગાઈડલાઈનના પાલન સાથે શાળાના શિક્ષકો ઘરે ઘરે જઈને નોટબુક શિક્ષણનું સાહિત્ય વહેંચી ઘરે જઈને બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. ખાસ કરીને ‘બેટી બચાવો બેટી પઢાવો’ અંતર્ગત શિક્ષણ કાર્ય કરી રહ્યા છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા