Proud of Gujarat
FeaturedGujaratINDIA

નોંધારાનો આધાર બની રહ્યું છે નર્મદા જિલ્લા વહિવટી તંત્ર : નિરાધારો માટે સંવેદના સરવાણી વહેવડાવવામાં સામાજિક સેવા સંસ્થાનો માનવતા ભરેલો સહયોગ.

Share

રાજ્યનો ધર્મ પ્રજા કલ્યાણની કાળજી લેવાનો છે. કાયદાના શાસન માટે જરૂરી કડકાઈ દાખવતું રાજ્ય તંત્ર પ્રજાની સુખાકારી માટે એટલું જ સંવેદનશીલ હોય એ જરૂરી છે. નર્મદા જિલ્લા કલેકટર ડી. એ.શાહની દોરવણી અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા વહિવટી તંત્ર નોંધારાનો આધાર બનવાની અનોખી કર્તવ્યશીલતા દાખવી રહ્યું છે. જેમાં રાજપીપલાની સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ જેવી સામાજિક સંસ્થા હોંશે હોંશે જોડાઈ છે. જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આદરાયેલા આ અભિનવ-પ્રેરક પહેલરૂપી પ્રોજેક્ટમાં નર્મદા જિલ્લાના તમામ પદાધિકારીઓ, રાજપીપલાના અગ્રણી નાગરિકો, વૈષ્ણવ વણિક સમાજ તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ વગેરેનો જબરજસ્ત સહયોગ સાંપડ્યો છે.

વહિવટી તંત્રે જેમના માથે આકાશની છત અને નીચે જમીનનો ઓટલો છે એવા સાવ નોંધારા પરિવારોને શોધી કાઢવા જહેમત ભરી કવાયત કરી હતી, જેમાં હાલ પ્રાથમિક તબકકામાં સાવ અસહાય એવા આ ૨૨ જેટલા પરિવારોના આશરે ૪૫ જેટલા સદસ્યોને વિવિધ પ્રકારે મદદરૂપ બનીને તેમને સમાજ સ્થાપિત કરવાનો સુઆયોજિત પ્રયાસ કલેકટરના માનવીયતા સભર દિશા-નિર્દેશ હેઠળ જિલ્લા પ્રશાસને હાથ ધર્યો છે, જેમાં રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ જેવી સામાજિક સંસ્થાનો નક્કર સહયોગ મળ્યો છે. નર્મદા જિલ્લો “માં-નર્મદા” ની પવિત્ર ગોદમાં વસેલો જિલ્લો છે. દર્શન માત્રથી પાવન કરતી આ લોકમાતાના કાંઠે અનેક પવિત્ર તીર્થો આવેલા છે, જ્યાં વિવિધ સંસ્થાઓ જનસેવાને જ પ્રભુ સેવા સમજી વિવિધ લોકહિતની પ્રવૃત્તિઓ કરી રહી છે. નર્મદાની પરિક્રમા કરનારા યાત્રીઓને આવકારીને તેમની આગતા-સ્વાગતા કરનારી આ ભૂમિ છે. તેના આ ઉમદા સેવા વારસાને અનુસરીને નર્મદા જિલ્લા વહિવટી તંત્રે આ નોંધારા પરિવારો અને લોકો માટે રેન-બસેરામાં આશ્રય, ભોજન સેવા સહિત વિવિધ આયોજનો કર્યા છે અને આ પરિવારોને કેવી રીતે સ્થિર અને સ્થાયી, આત્મનિર્ભર કરી શકાય તે માટે સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓનો વિનિયોગ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે, જેનુ સીધુ અને સતત મોનીટરીંગ જિલ્લા કલેકટર શાહ કરી રહ્યાં છે.

જિલ્લા કલેકટરની સૂચના અને ગાઈડ-લાઇન અનુસરીને હાલમા પ્રાથમિક તબકકે વહિવટી તંત્રના ૧૪ જેટલા અધિકારીઓની સાત ટૂકડીઓએ રાજપીપલા નગરપાલિકા વિસ્તારના તમામ સાત વોર્ડમાં આવા અસહાય અને લગભગ બારે માસ ઉપર આકાશ અને નીચે ધરતીની સ્થિતિમાં કઠિન જીવન જીવતા લોકોને શોધવા વ્યાપક અને સઘન સર્વે કર્યો હતો, જેની નોંધ લેવી ઘટે. તે પછી શ્રેણીબદ્ધ બેઠકો યોજી સરકારની કલ્યાણ યોજનાઓ હેઠળ તેમના ઉત્કર્ષ માટે કરવા યોગ્ય કામગીરીની રૂપરેખા બનાવવામાં આવી છે જેના અમલના ભાગરૂપે આજથી રાજપીપલામાં હરસિધ્ધિ માતા મંદિર સંકુલના પાછળના ભાગે આ સેન્ટ્રલ કિચન ખૂલ્લુ મૂકાયુ છે. આમ, જિલ્લા વહિવટીતંત્ર દ્રારા કરાયેલા આ સર્વેના પ્રાથમિક તારણ મુજબના પરિવારો-વ્યક્તિઓ માટે બે ટંક ભોજન વિતરણનો આજથી પ્રારંભ થયો છે. જિલ્લા વહિવટીતંત્ર દ્રારા સર્વેની આ પ્રક્રિયા હજી પણ જારી રાખવામાં આવી છે અને તેમાં પણ ઉપલબ્ધ થનાર વિગતો-અહેવાલ-તારણના આધારે હજી પણ વધુ પરિવારો-વ્યક્તિઓને આ લાભ હેઠળ આવરી લેવાશે.

નર્મદા સુગર ફેકટરી અને ભરૂચ દૂધ ધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ પટેલ, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ, ભારતીય વહિવટી સેવા સંવર્ગના પ્રોબેશનરી અધિકારી યુવરાજ સિધ્ધાર્થ, જિલ્લા પુરવઠા અધિકારી એન.યે.પઠાણ, નાંદોદ મામલતદાર ડી.કે.પરમાર, નગરપાલિકાના ચીફ ઓફીસર પરાક્રમસિંહ મકવાણા સહિત જિલ્લા વહિવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ, રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજસભાઇ ગાંધી, યુવા અગ્રણીશ્રી નીલભાઇ રાવ, ગજેન્દ્રસિંહ જાડેજા, હિંદુ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી ભાસ્કરભાઇ સોની વગેરેની ઉપસ્થિતિમાં ફૂટપાથ પર રહી ભટકતું જીવન વ્યતિત કરતાં નિરાધાર, ઘર-વિહોણા લોકોની ભોજન વ્યવસ્થા માટે નર્મદા જિલ્લા વહિવટીતંત્રના સહયોગથી અને સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્રારા સંચાલિત “સેન્ટ્રલ કિચન” આજે ખૂલ્લુ મૂકાયુ હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટમાં રસોઇ તૈયાર કરવાથી માંડીને તેના વિતરણ માટે કુલ-૮ ના સ્ટાફ સહિત એક મોબાઇલ વાન “ભોજન સેવા રથ” ની સેવાઓ લેવાઇ રહી છે.

Advertisement

પ્રથમ તબકકામાં આજે આ સેન્ટ્રલ કિચનના પ્રારંભે રાજપીપલાના દશા માતાના મંદિર સામે, ટેકરા ફળિયા, રેન-બસેરા, રેલ્વે સ્ટેશન ફાટક પાસે, કાળા ઘોડા રેલ્વે નાળા પાસે, વાલ્મિકી વાસ, હરસિધ્ધિ માતા મંદિર, ગાયત્રી મંદિર અને શેષ નારાયણ મંદિર પાસે વગેરે જેવા રાજપીપલા શહેરના ૧૨ થી ૧૫ જેટલા વિવિધ વિસ્તારોમાં ભોજન રથ સેવા મારફત આજે પ્રથમ દિવસે આ લાભાર્થીઓને કાયમી ઉપયોગમાં લેવા માટે થાળી, વાટકો-ચમચી-ગ્લાસના સેટના વિતરણની સાથોસાથ બપોરનું ભોજન પીરસવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત આ તમામ પરિવાર-વ્યક્તિઓને સેનેટાઇઝર અને માસ્કનું પણ વિતરણ કરાયું હતું. આજથી શહેરમાં સર્વે કરાયેલા ઉકત પરિવારો-વ્યક્તિઓને બે ટંક તેમના જે તે વિસ્તારમાં જઇને રોજબરોજ ભોજનનું વિતરણ કરવામાં આવશે.

નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ પટેલે જણાવ્યું હતું કે, સરકારી અધિકારીઓ અને ભાજપાના કાર્યકરો ઉપરાંત વૈષ્ણવ સમાજના કાર્યકર્તાઓ સાથે ભેગા મળીને નર્મદા જિલ્લો અને તેમાંય ખાસ કરીને રાજપીપલા માટે આ એક ખૂબ મોટુ અભિયાન ઉભુ કર્યુ છે અને આજે તેની આ શુભ શરૂઆત છે. રાજપીપલા શહેરમાં ફુટપાથ ઉપર રહેતા લોકો કે જેને ખાવાનું કે રહેવાનું મળતું નથી તેવા નાગરિકો-તેવા લોકો માટેની આ યોજના છે. આનાથી આગળ વધીને આવા લોકોના નિવાસસ્થાન સુધી જે જગ્યા ઉપર રહે છે ત્યાં સુધી ટીફીનની અને ખોરાકની વ્યવસ્થા પુરી પાડવી, ઓઢવા-પાથરવા-વાસણની આ તમામ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે. તદઉપરાંત આવા પરિવાર- વ્યક્તિઓને વિવિધ યોજનાનો લાભ મળી રહે તે માટે કાર્યકર્તાઓ કામ કરવાના છે. સરકારી તંત્ર પણ તેમાં સહભાગી છે. આમ, આ બધાના સુભગ સમન્વયથી આ પ્રોજેક્ટ કાર્યરત કરાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજસભાઇ ગાંધીએ આ સેન્ટ્રલ કિચન અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ તરફથી જે લોકો ફૂટપાથ ઉપર રહે છે-નિરાધાર લોકો છે, જે ભટકતું જીવન જીવે છે, જેમને રહેવા-જમવાની તકલીફ છે, તેવાઓ માટે જિલ્લા વહિવટીતંત્ર અને વણિક સમાજ દ્રારા તેમને બે ટંક જમવાનું પહોચતું કરીશું. અને તે સિવાય સરકારી યોજનાઓથી પગભર થવાની સાથે અને તેમનું જીવન ઉન્નત બને તેવા પ્રયત્નો કરીશું. જિલ્લા વહિવટીતંત્રનો અમોને ખૂબ સહયોગ મળ્યો છે, ત્યારે અમે પણ આ કામ સંપૂર્ણ કરીને અમારા ઉપર વહિવટીતંત્રએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરીશું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

રાજપીપળા : ડેડીયાપાડાથી મોવી રોડનું સાત દિવસમાં સમારકામ ના કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલનની કોંગ્રેસ નેતાની ચીમકી.

ProudOfGujarat

નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભરૂચ જીલ્લાની વિવિધ શાળાઓની ૧૪૦૦ વિદ્યાર્થીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરાયા.

ProudOfGujarat

IRCTC કેવડિયા ખાતે બજેટ હોટેલનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં ચાલુ કરશે : પ્રવાસીઓને થશે લાભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!