નર્મદા જિલ્લામાં CDMO અને સિવીલ સર્જનની તેમજ કોવિડ-૧૯ ના નોડલ અધિકારી ડૉ. જયોતિબેન ગુપ્તાએ મ્યુકરમાઇકોસિસ રોગ અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, આ રોગ એક ફંગસ ઇન્ફેકશન છે, જે કોરોનાના દરદીઓ સારવાર માટે દાખલ થતા હોય અને જેને લાંબા સમય સુધી કોર્ટિકો સ્ટીરોઇડ ઇન્જેકશન આપવામાં આવતા હોય અને જે દરદીઓની રોગપ્રતિકારક શકિત ઓછી હોય તેવા દરદીઓમાં આ મ્યુકરમાઇકોસિસ રોગ જોવા મળે છે. પરંતુ હાલ નર્મદા જિલ્લામાં રાજપીપલાની સરકારી આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પીટલ ખાતે આજદિન સુધી આ મ્યુકરમાઇકોસિસ રોગના એક પણ દરદી દાખલ થયેલ નથી કે સારવાર હેઠળ નથી તેમજ નર્મદા જિલ્લામાં અન્ય કોઇ ખાનગી હોસ્પિટલમાં પણ આવો કોઇ કેસ નોંધાયાના કોઇ અહેવાલ નથી.
ડૉ. જયોતિબેન ગુપ્તાએ આ અંગે વધુ જાણકારી આપતા ઉમેર્યુ હતું કે, નર્મદા જિલ્લામાં હાલમાં મ્યુકરમાઇકોસિસના એક પણ દરદી ન હોવા છતાં, જો આવી કોઇ પરિસ્થિતિ નર્મદા જિલ્લામાં હવે પછી ઉદભવે તો આવા દરદીઓને સત્વરે જરૂરી નિદાન અને સારવાર મળી રહે તે માટે નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજપીપલાની આ કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે અગમચેતીના અને આગોતરા આયોજનના ભાગરૂપે અત્રે ૨૦ બેડની અલાયદી સુવિધા સાથેના આઇસોલેશન વોર્ડ સુસજજ કરાયાં છે અને જરૂર પડયે મ્યુકરમાઇકોસિસ રોગના દરદીઓની સારવાર માટે તેનો ઉપયોગ કરીને આ અંગેની માર્ગદર્શિકા મુજબ જરૂરી નિદાન-સારવાર કરાશે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા