રાજપીપલા : ગુજરાતના “તાઉ-તે” વાવાઝેાડાના પગલે અને તેની અસરના ભાગરૂપે રાજપીપલા શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ એવી કોઇ નોંધપાત્ર દુર્ઘટના સર્જાયેલ નથી કે કોઇ જાનહાની-પશુહાનિ નોંધાયેલ નથી. પરંતુ આ વાવાઝોડાના ભારે પવન અને વરસાદને લીધે નર્મદા જિલ્લામાં ભારે દબાણવાળા ૩૩ જેટલા ફીડર-વિજ લાઇનોને અસર થતાં, પાંચ ટ્રાન્સફોર્મર સ્ટ્રકચર તથા ૧૨૩ વિજ થાંભલા તુટી ગયેલ છે. DGVCL કંપની દ્રારા અસરગ્રસ્ત ગામોમાં વિજ પુરવઠો પુન:સ્થાપન કરવાની યુધ્ધના ધોરણે હાથ ધરાયેલી કામગીરીને લીધે ગઇકાલે તા. ૧૮ મી મે, ૨૦૨૧ ની સાંજ સુધીમાં જિલ્લાના ૨૧૦ ગામોમાં વિજ કંપની ની ટુકડીઓ દ્રારા વિજ પુરવઠો પુન:પૂર્વવત કરાયો છે.
દક્ષિણ ગુજરાત વિજ કંપની લી. ના નર્મદા જિલ્લાના કાર્યપાલક ઇજનેર એ.જે.પટેલે આપેલી જાણકારી મુજબ જિલ્લામાં “તાઉ-તે” વાવાઝોડાને લીધે જિલ્લાના પાંચ ટ્રાન્સફોર્મર સ્ટ્રકચરને નુકશાન થયેલ છે. અને કુલ ૧૨૩ જેટલા વિજ થાંભલા તુટી ગયેલ છે. DGVCL કંપનીની વિજ લાઇન મરામત માટેની ૭ ટીમ અને ઇજારદારની ૮ ટીમ સહિત કુલ ૧૫ ટીમો દ્રારા જરૂરી દુરસ્તી કામ હાથ ધરીને ગઇકાલ તા. ૧૮ મી ની સાંજ સુધીમાં નુકશાન પામેલ વિજ થાંભલાના સ્થળે ૧૦૧ નવા વીજ થાંભલા ઈન્સ્ટોલ કરીને ૨૨૦ જેટલા ગામોમાં વિજ પુરવઠો પુન:પૂર્વવત કરાયો છે. તેવી જ રીતે આજે તા. ૧૯ મી ના રોજ પણ વધુ ૨૨ નવા વિજ થાંભલા નાંખવાની પ્રગતિ હેઠળની કામગીરી આજે સાંજે પૂર્ણ થયેલ છે અને વધુ ૧૬ ગામોમાં વિજ પુરવઠો પણ પૂર્વવત કરવામાં આવ્યો છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા