રાજપીપલા. આરીફ જી કુરેશી
કેન્દ્રિય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરના અધ્યક્ષપદે આજે તા.૧૪ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ને શનિવારના રોજ રાજપીપલા મુખ્ય ડાક ઘર ખાતે નર્મદા જિલ્લાના નાગરિકો માટે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, અમદાવાદના રીજીઓનલ પાસપોર્ટ ઓફિસર સોનીયા યાદવ, ગુજરાતના ચીફ પોસ્ટ માસ્તર જનરલ અશોક પોદ્દાર અને સુરત પોસ્ટ ઓફિસના અશોક સોનખુસરે તેમજ વિદેશ મંત્રાલયના અને પોસ્ટ ઓફિસ વિભાગના અન્ય અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
રાજપીપલામાં સંતોષ ચોકડી પાસે સ્વામિ નારાયણ મંદિર નજીકની પોસ્ટ ઓફિસ ખાતે આ સેવાઓ ખુલ્લી મુકાઇ હતી.
સુરત પોસ્ટ ઓફિસના નેજા – કાર્યક્ષેત્ર હેઠળ આ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત રહેશે, દૈનિક ૨૫ જેટલી એપોઇન્ટમેન્ટની સાથે શરૂ થનારી સેવામાં તબક્કાવાર એપોઇન્ટમેન્ટની સંખ્યામાં વધારો થશે.
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન વેબસાઇટ www.passportindia.gov.in ઉપર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે અને નિયત ફી પણ ઓનલાઇન ભરવાની રહેશે.
અરજદારોએ તેમની અરજીના રેફરન્સ નંબર (ARN) શીટ સાથે જરૂરી તમામ પ્રકારના સાધનિક દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલો સાથે રાજપીપલાની પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો સંપર્ક સાધવાનો રહેશે.
આ સંદર્ભમાં વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકરે જણાવ્યું હતું કે આજે રાજપીપળા ખાતે પાસપોર્ટ ઓફીસ નું ઉદ્ઘાટન કર્યું એ ખુશી વ્યક્ત કરી હતી અને પોષ્ટ ડિપાર્ટમેન્ટ ની ભાગીદારી અને સહયોગ થી આજે પાસપોર્ટ કઢાવવો એ આસાન બન્યું છે અને લોકોને પાસપોર્ટ કઢાવવો આસાન બને એ અમારી કોશિશ છે ઉપરાંત આ મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવરનન્સ નું આ ઉત્તમ ઉદાહરણ છે.