સરકારની માર્ગદર્શિકા મુજબ દર માસની તા.૬ એ કોવિડ-૧૯ હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલમાં આગની દુર્ઘટના સંદર્ભે ફાયર માટેની મોકડ્રીલ–નિદર્શન યોજવાના ભાગરૂપે આજે રાજપીપલામાં આર્યુવેદિક કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતેના કમ્પાઉન્ડમાં કાગળ અને પુઠ્ઠાના વેસ્ટેડ ઢગલામાં આકસ્મિક લાગેલી આગની દુર્ઘટના અને રાહત બચાવની કામગીરી માટેનું સફળ મોકડ્રીલ નિદર્શન યોજાયું હતુ.
કોવિડ-૧૯ હોસ્પિટલના નોડલ ઓફિસર અને સિવીલ સર્જન ડૉ. જયોતિબેન ગુપ્તાએ ઉકત આગની દુર્ઘટના સફળ મોકડ્રીલ-નિદર્શન અંગે જાણકારી આપતાં જણાવ્યુ હતું કે, સરકારની માર્ગદર્શિકા મુજબ દર માસે યોજાતી આ પ્રકારની મોકડ્રીલનો હેતુ એ રહેલો હોય છે કે હોસ્પિટલમાં ફરજ પરના કાર્યરત તબીબી અધિકારી, સ્ટાફ નર્સ, પેરામેડીકલ સ્ટાફ અને અન્ય આરોગ્યરક્ષકોને આ પ્રકારની આગ લાગે ત્યારે અને ABC અને BC ટાઇપના ફાયર ઇસ્ટીંગીશરનો કયારે અને કઇ રીતે ઉપયોગ કરવો ? તેની કાર્યપધ્ધતિથી સંપૂર્ણ રીતે સમજણ સાથે તેઓ વાકેફ થાય અને આવી દુર્ઘટના સમયે યોગ્ય કાર્યપધ્ધતિથી સમયસર અને સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ સંશાધનોનો અસરકારક ઉપયોગ થાય તે રહેલો છે.
જિલ્લા વહીવટીતંત્ર, પોલીસતંત્ર અને આરોગ્યતંત્રના અધિકારીઓ અને હોસ્પિટલના સંબંધિત આરોગ્યરક્ષકોની ઉપસ્થિતિમાં રાજપીપલા નગરપાલિકાના ફાયરબ્રિગેડના ફાયરમેન અનિલભાઇ રોહિતે રજૂ કરેલાં ઉકત મોકડ્રીલ-નિદર્શન દરમિયાન જુદા જુદા ફાયર ઇસ્ટીંગીશરના ઉપયોગ અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, કાગળ, પુઠા, લાકડુ, રૂ અને પ્લાસ્ટીક વગેરેને A પ્રકારની આગ કહેવાય છે અને ડિઝલ, પેટ્રોલ, કેરોસીન અને અન્ય કેમિકલ્સથી લાગતી આગને B પ્રકારની આગ કહેવાય છે. તેમજ ગેસથી લાગતી આગને C પ્રકારની આગ કહેવાય છે અને આ ત્રણેય પ્રકારની આગ ઓલવવામાં ABC ફાયર ઇસ્ટીંગીશરનો ઉપયોગ કરવામાં આવે છે, તેવી જ રીતે ઇલેકટ્રીક શોર્ટ સર્કિટથી લાગતી આગને BC પ્રકારની આગ કહેવામાં આવે છે અને તેને ઓલવવા માટે BC પ્રકારના ફાયર ઇસ્ટીંગીશરનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરોકત ફાયર ઇસ્ટીંગીશરથી જયારે કોઇ આગ કાબૂમા ન આવે ત્યારે હાઇડ્રન સિસ્ટમનો ઉપયોગ કરીને આગને કાબુમાં લાવી શકાય છે તે અંગે પણ શ રોહિતે જરૂરી નિર્દશન સાથે વિસ્તૃત જાણકારી આપી હતી.
જ્યોતિ જગતાપ, રાજપીપલા