રાજપીપલા : નર્મદામાં એક તરફ લોકો કોરોનાથી વધુને વધુ સંક્રમિત થઈ રહ્યા છે અને કોરોનાનો મોતનો આંકડો પણ વધી રહ્યો છે ત્યારે લોકો પણ હવે મોડે મોડે વેક્સિન લેવા માટે જાગ્યા છે. હવે દરેક સેન્ટર ઉપર વેક્સિન લેવા માટે પડાપડી થઇ રહી છે. ત્યારે હવે અચાનક વેક્સિનનો જથ્થો નર્મદા જિલ્લામાં ખુટી પડયો છે. વેક્સિન લેવા આવતા લોકોને હવે વીલા મોઢે પાછા જવાનો વારો આવ્યો છે. રાજપીપળા અર્બન સેન્ટર અને બીજા સેન્ટર પર વેક્સીન ખૂટી ગઈ હોવાથી લોકોને વેક્સિન મળતી ન હોવાની ફરિયાદો ઉઠી છે. જોકે થોડાક લોકોને જનસેવા કેન્દ્ર પર અને અર્બન સેન્ટર પરથી થોડા પ્રમાણમા વેક્સીન આપવામાં આવી છે. જેમાં એક જ પરિવારના એકથી વધુ વ્યક્તિ આવે તો તેમને તેમાંથી એકાદ-બે ને જ રસી આપવામાં આવે છે. બાકીનાને પછીથી આપશે એમ આરોગ્ય તંત્ર જણાવી રહ્યું છે.
બીજી તરફ પહેલી મે થી નર્મદા જિલ્લામાં 18 વર્ષથી ઉપરના યુવાનોને વેક્સીન આપવાનું શરૂ કરાયું છે પણ નર્મદા જિલ્લામાં વેક્સીન ઉપલબ્ધ ન હોવાથી 18 વર્ષથી ઉપરના વ્યક્તિને વેક્સીન મળતી નથી. જેનાથી યુવાનો અને તેમના વાલીઓમા ચિંતાનો વિષય બન્યો છે કારણકે 18 વર્ષથી ઉપરના યુવક યુવતીઓની સંખ્યા સૌથી વધારે છે. ખાસ કરીને આ લોકોને ઓનલાઇન રજીસ્ટર કરવાનું હોય છે પણ નર્મદાનું ઓપ્સન આવતું ન હોવાથી ઓનલાઇન રજીસ્ટ્રેશનપણ થતું નથી. તેથી 18 વર્ષથી ઉપરના લોકોને ક્યારે વેક્સીન મળી શકતી નથી. જોકે હજી ઘણા બધા એવા લોકો છે કે જેમણે પ્રથમ ડોઝ પણ નથી લીધો. તેવા લોકો હવે પ્રથમ ડોઝ લેવા દોડા દોડી કરી રહ્યા છે. જયારે સેકન્ડ દોઝ લેનારાઓની પણ લાંબી લાઈન છે. ત્યારે આ બધાને વેક્સીન ક્યારે મળશે એ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આરોગ્ય તંત્ર જણાવે છે કે બે-ત્રણ દિવસમાં વેક્સીન આવી જશે. આમ હવે નર્મદામાં વેક્સિનેશનની કામગીરી ઘોંચમાં પડી છે. ત્યારે આરોગ્ય તંત્ર વહેલામાં વહેલી તકે વેક્સીનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે અને લોકોને સમયસર વેક્સીન આપે તેવી લોકોની માંગ છે. આ અંગે જિલ્લા ભાજપાના આગેવાન શંકરભાઈ વસાવાએ જણાવ્યું છે કે નર્મદામા વેક્સીન આવતી નથી કેટલા દિવસથી લોકો રાહ જોઈને બેઠા હોય પરંતુ બીજો અને પ્રથમ ડોઝ ઉપ્લધ નથી જવાબદાર અધિકારી અને સરકાર ગરીબ જિલ્લા નું ધ્યાન આપે મારી વિનંતી છે.
બીજી તરફ ખાટલે મોટી ખોડ એ છે કે નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તારમા મોટાં ભાગના લોકો પાસે ઇન્ટરનેટની સુવિધા નથી, નેટના ઠેકાણા નથી. તો સામાન્ય યુવક યુવતીઓ પાસે કે તેમના ઘરમાં સ્માર્ટસ ફોન, લેપટોપ કે કોમ્યુટરની સુવિધા ન હોવાથી વેક્સીન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકતા નથી. જયારે બીજી તરફ સરકારે ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. ત્યારે નર્મદામા 18 વર્ષથી ઉપરના યુવાનો નેટની અસુવિધાને કારણે ઓનલાઈન રજીસ્ટર ન કરી શકે તો આધાર કાર્ડ કે અન્ય જરૂરી પુરાવા લઈને વેક્સીન આપવી જોઈએ એવી પણ માંગ થઈ છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા