(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):નર્મદા જિલ્લામાં ગત 8મી જાન્યુઆરીના રોજ અકસ્માતના બે અલગ અલગ બનાવ બન્યા હતા.જેમાં બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા હતા.જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા એને 108 ઇમરજન્સી વાન દ્વારા સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.રાજપીપળા અને ગરૂડેશ્વર પોલીસે આ બંન્ને અકસ્માત મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતના પેહલા બનાવ મુજબ ગત 8મી જાન્યુઆરી 2019ના રોજ ગરૂડેશ્વર મોટી રાવલ ગામની વૃધ્ધા રૂખી કેસૂર તડવી બીડી લઈને પોતાના ઘરે પરત ફરી રહી હતી.દરમિયાન હાઇવે પર ગફલતભરી રીતે હંકારી લાવતા GJ-6-JH-2905ના બાઈક ચાલકે એમને ટક્કર મારી દૂર ફંગોળી દીધા હતા.જેમાં એ વૃધ્ધાને ગંભીર ઇજાઓ થઈ હતી,બાદ એમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં એમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જ્યારે અકસ્માતનો બીજો બનાવ રાજપીપળાની વિરપોર ચોકડી પાસે બન્યો હતો.જેમાં મહારાષ્ટ્રના પહુર ગામેથી ટ્રક નંબર MH-19-Z-6830માં ચાલક દિલીપ.જે.હુડેકર(જિલ્લો-બુલડાના,તા-મોતાળા,ગામ-ધામનગાઉ બઢે)કંડકટર ઇશાક ઉર્ફે બુડણ અજિત ઉર્ફે અજજુ શેખને લઈને કપાસ ભરી ગુજરાતના કડી કલોલ ગામે જઈ રહ્યો હતો.દરમિયાન નેત્રંગ તરફથી પસાર થતી રાજપીપળાની વિરપોર ચોકડી પાસે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા એમની ટ્રક પલટી મારી ગઈ હતી.આ અકસ્માતમાં ચાલક અને કંડકટર ટ્રક નીચે દબાઈ ગયા હતા જેમાં કંડકટર ઇશાક ઉર્ફે બુડણ અજિત ઉર્ફે અજજુ શેખનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે ચાલકને લગભગ 3 કલાકની જહેમત બાદ જેમ તેમ કરીને 2 ક્રેનની મદદથી બહાર કાઢયા બાદ 108 ઇમરજન્સી વાન દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડાયો હતો.રાજપીપળા અને ગરૂડેશ્વર પોલીસે બન્ને અકસ્માત મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.