– જિલ્લા વિકાસ અધિકારી નર્મદાએ જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ કર્યો.
– તમામ સ્ટેનબાય સાથે તૈયારીઓ રાખવા આદેશ.
– સરકારે ગ્રાંટ ફાળવી આચાર્યો શિક્ષકોને માથે જવાબદારી ઢોળી દેતા રોષ.
– ગ્રાન્ટ વિના કામ કરવામાં અસમર્થ સરપંચોમાં પણ રોષ, અમારા પાસે વધારાની ગ્રાન્ટ હોતી નથી, બે વર્ષથી સરકાર ગ્રામ પંચાયતના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવણી નથી.
રાજપીપલા : નર્મદા જિલ્લામા કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઈ નર્મદા જિલ્લાની દરેક પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનો આદેશ કરાયો છે. જિલ્લા વિકાસ અધિકારી નર્મદાએ જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ કર્યો છે. જે અનુસંધાને જિલ્લા શિક્ષણાધિકારી નર્મદાએ પણ દરેક શાળાઓને તમામ સ્ટેનબાય સાથે તૈયારીઓ રાખવા પરિપત્ર કરી આદેશ કર્યો છે. જેમાં સ્કૂલોમાં તૈયાર કરેલ સેન્ટરના સીઆરસી મારફત ફોટા અને માહિતી રજુ કરવા જણાવતા કેટલીક શાળાઓએ આ કામગીરી શરુ કરી દીધી છે. જેમાં શાળાના ઉપલબ્ધ ઓરડાના 50% ઓરડામાં આ સુવિધા ઊભી કરવા જણાવ્યું છે.
આવા સેન્ટરોમાં શાળામાં સેનીટાઇઝર અને માસ્ક ઉપલબ્ધ રાખવા, દરેક ઓરડામાં પીવાના પાણીની સુવિધા એટલે કે પાણીનો જગ અથવા નળ વાળું માટલું અને ગ્લાસ મુકવા, દરેક ઓરડામાં બે પથારી વચ્ચે ત્રણ ફૂટનું અંતર રહે એ રીતે વધુમાં વધુ જેટલી થાય એટલી પથારી તૈયાર કરવાની જવાબદારી સોંપી છે. જેમાં દરેક પથારી દીઠ એક ગાદલુ, ચાદર, ઓશીકુ અને ઓઢવા માટે ચારસો રાખવા જણાવ્યું છે. એ ઉપરાંત શાળાના સેનિટેશન સ્વચ્છ અને ઉપયોગમાં લઈ શકાય એવી હાલતમાં રાખવા તથા પુરુષ અને સ્ત્રી માટે અલગ સેનિટેશનનો નિર્દેશ દર્શાવતા બોર્ડ તૈયાર કરી લગાવવા તેમજ મહિલાઓ અને પુરુષો માટે અલગ બાથરૂમની સુવિધા કરવા આદેશ કરાયો છે.
આ વૈશ્વિક મહામારીમાં સૌ સાથે મળી તેમાંથી વહેલી તકે લોકો બહાર આવે એ માટે અને આરોગ્ય વિભાગને સહકાર આપવાની સામાજિક ફરજ અદા કરવા અનુરોધ કરતા શિક્ષકો આચાર્યો આ કામગીરીમા જોડાઈ ગયા છે. બીજી તરફ સરકારે ગ્રાંટ ફાળવી આચર્યો, શિક્ષકોને માથે જવાબદારી ઢોળી દેતા સરપંચો પણ રોષે ભરાયા છે. ગ્રાન્ટ વિના કામ કરવામાં અસમર્થ સરપંચો જણાવે છે કે અમારી પાસે વધારાની ગ્રાન્ટ હોતી નથી બે વર્ષથી સરકાર ગ્રામ પંચાયતના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવણી નથી એક શાળામાં કોવિડ કેર સેન્ટરો ઉભા કરવામાં એક લાખથી વધુ ખર્ચ થાય તે ક્યાંથી કાઢવા ? શાળામાં ડોક્ટરના અભાવે ઇમર્જન્સી આવે તો દર્દીની સાર સંભાળ કોણ રાખશે ? અને ગામમાં કોરોના પસાર્યો તો જવાબદાર કોણ ? જેવા સવાલો ઉઠવા પામ્યા છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા