વિશાલ મિસ્ત્રી રાજપીપલા, મંગળવાર :-નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, GVK-EMRI-૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અને રાજપીપળા સિવિલ હોસ્પિટલના NSD (બિનચેપી રોગ સેલ) ના સંયુકત ઉપક્રમે રાજપીપળામાં સરદાર ટાઉન હોલ ખાતે જિલ્લાના કર્મયોગીઓ (First Responder) ની યોજાયેલી એક દિવસીય તાલીમ શિબિરને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે.વી.પટેલે દિપ પ્રાગટય ધ્વારા ખૂલ્લી મૂકી હતી. આ પ્રસંગે જિલ્લા ક્ષય રોગ નિયંત્રણ અધિકારી ર્ડો. એસ.એ.આચાર્ય, વિષય તજજ્ઞ સંજય પીપલીયા અને રમેશ ટંડેલ, સુપરવાઇઝર મહંમદહનીફ બલુચી વગેરે પણ ઉપસ્થિત રહયાં હતાં.
આ તાલીમ શિબિરનો હેતુ સમજાવતાં વિષય તજજ્ઞ સંજય પીપલીયાએ જણાવ્યું હતું કે, કોઇ પણ ઇમરજન્સી ઉભી થાય ત્યારથી ૧૦૮- એમ્બ્યુલન્સની સેવા આવે તે વચ્ચેનો ૧૫ મિનીટનો ગાળો પ્લેટીનીયમ મિનિટ કહેવાય છે.પ્લેટીનીયમ મિનિટમાં કઇ રીતે પ્રાથમિક સારવાર આપીને મદદરૂપ થવાની સાથે દરદીનું જીવન જોખમમાંથી બચાવી શકાય છે તેવો આશય આ તાલીમનો રહેલો છે.
આજની આ તાલીમ શીબિરમાં સંજય પીપલીયા અને રમેશ ટંડેલે તેમના વકતવ્યમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી તાત્કાલિક સારવાર માંગતી મેડીકલ ઇમરજન્સી તથા તેમજ તાત્કાલિક સારવાર માંગતી બાળકોની ઇમરજન્સી, તથા બહેનોમાં ઉભી થતી ઇમરજન્સીમાં ગર્ભાવસ્થા અને તેને લગતી ઇમરજન્સી તેમજ માનસિક તકલીફો અને ઇમરજન્સીમાં-માનસિક બિમારી, આપધાત અને હદય અને ફેફડાનો નવજીવન વગેરે જેવી બાબતો વિષે નિદર્શન-દ્રષ્ટાંત સાથે સરળ શૈલીમાં જાણકારી અને વિસ્તૃત સમજ આપી હતી.૧૦૮- એમ્બ્યુલન્સ આવતા સુધી શુ કરવું અને શું ન કરવું તે અંગેની વિસ્તૃત સમજ અપાઇ હતી.આ તાલીમ શિબિરને અંતે ભાગ લેનાર દરેક કર્મયોગી તાલીમાર્થીઓને ખૂબજ ઉપયોગી એવી પ્રથમ મદદગાર (First Responder) પુસ્તિકા અને પ્રમાણપત્રો એનાયત કરાયાં હતાં.