રાજપીપલા : નર્મદા જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસોને કારણે રાજપીપલા, દેડિયાપાડા, સાગબારાના તાલુકા મથકોએ લોકડાઉન કરવામાં આવ્યા છે. હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના પ્રસરતો હોવાથી ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ હવે જાગૃત બન્યા છે અને સ્વયંભૂ લોકડાઉનમાં જોડાયા છે જેમાં સૌથી પહેલી પહેલ નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગ્રામ પંચાયતે કરી છે. જેમાં આવતી કાલ તા.ર૭-૪-૨૦૨૧ થી
૪-૫-૨૦૨૧ સુધી એક સપ્તાહ સુધી પ્રતાપનગરમાં પણ હાફ લોકડાઉન કરાયું છે જેમાં સવારના ૭ થી બપોરના ૧ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો ગ્રામ પંચાયતે નિર્ણય લીધો છે અને બપોરે ૧ વાગ્યા પછી સદંતર બંધ રહેશે.
આ અંગે ગ્રામ પંચાયતે અપીલ કરતા જણાવ્યું છે કે પ્રતાપનગર ગ્રામ પંચાયતની હદમાં આવેલી તમામ વેપારીઓ દુકાનદારો, ફેરીયાઓને જાણ કરવામાં આવે છે કે હાલમાં કોરોનાનુ સંક્રમણ દિવસે દિવસે વધતું જાય છે અને જેના કારણે પ્રતાપનગર ગ્રામ પંચાયત તરફથી જણાવામાં આવે છે કે આપણી ગૃપ ગ્રામ પંચાયતની હદમાં આવેલી તમામ દુકાનો લારી ગલ્લાઓ આવતી કાલ તા.ર૭-૪-૨૦૨૧ ને મંગળવારથી ૪-૫-૨૦૨૧ સુધી સવારના ૭ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવી અને ૧ વાગ્યા પછી સદંતર બંધ રાખવા અપીલ કરી છે. જોકે લોકડાઉનનું કડક પાલન કરવા કેટલાક કડક પાલન કરવા પણ જણાવ્યું છે. જેમાં જણાવ્યું છે કે કોઇ પણ દુકાનના વેપારી પાછલા બારણે અથવા એક બારણું ખોલીને માલ-સામાન આપતા પકડાશે તો દશ હજારનો દંડ ગ્રામ પંચાયત દ્રારા લેવામાં આવશે. દંડ નહી આપનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા