– રાજપીપલા સ્માશન ગૃહમાં એપ્રિલ માસમા 23 દિવસમાં 80 મૃતકોના અગ્નીસંસ્કાર થયા!
– ગઈકાલે 23 મીએ એક જ દિવસમા 12 અને 22 મી એ 7 મોત આજે 24 મી એ 2 ના અગ્નિસંસ્કાર થયા.
– જયારે રાજપીપલા કોવિડ હોસ્પિટલના સરકારી આંકડા માત્ર ત્રણના જ મોતનું ગાણું ગયા કરે છે !
રાજપીપલા : નર્મદા જિલ્લામા આજદિન સુધીમાં સત્તાવાર આંકડા પ્રમાણે 2897 પોઝીટીવ કેસ નોંધાયા છે અને સત્તાવાર મૃત્યુના આંકડા સરકારી ચોપડે માત્ર ત્રણ જ બતાવ્યા છે. જયારે રાજપીપલા સ્મશાન ગૃહમાં માત્ર એપ્રિલ માસમા 24 દિવસમા 80 ના અગ્નિસંસ્કાર થયાના સત્તાવાર આંકડા છે. જેમાં કોવિડ હોસ્પિટલમાંથી મૃતકોને એમ્બ્યુલન્સમા હરિજનો દ્વારા અગ્નિ સંસ્કાર માટે લાવવામાં આવે છે અને હરિજનો પીપીઈ કીટ પહેરીને અગ્નિ સંસ્કાર કરે છે અને રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના સેવાભાવી યુવાનો નિશ્વાર્થ ભાવે અગ્નિસંસ્કાર કરવાની કામગીરી કરી રહ્યા છે જેમને તંત્રએ જ કામગીરી આપી છે.
વૈષ્ણવ સમાજના યુવાનોના જણાવ્યા અનુસાર કોરોના પહેલા કહેરમા ૩૧ જેટલી ડેડ બોડીના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. હવે બીજા વેવમા મૃતકોની સંખ્યા ખુબ વધી છે. રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના યુવાનો દ્વારા અપાયેલા સત્તાવાર આંકડા પ્રમાણે રાજપીપળા સ્મશાનગૃહમાં 2,એપ્રિલ થી 24 એપ્રિલ સુધીમાં એટલે કે એક મહિનાના ટૂંકા ગાળામાં 23 દિવસમા 80 જેટલા મૃતકોની અંતિમ વિધિ કરવામાં આવી છે.
જેમાં ગઈકાલે 23 મીએ એક જ દિવસમા 12 અને 22 મી એ 7 મોત આજે 24 મી એ 2ના અગ્નિસંસ્કાર થયા છે.
આ આંકડો આપણને હચમચાવી મૂકે તેવો છે. આશ્ચર્યની વાત તો એ છે રાજપીપળા કોવિડ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં સરકારી ચોપડે માત્ર ત્રણના જ મોત થયાના સત્તાવાર આંકડા બતાવે છે. ત્યારે કોણ સાચું ? રાજપીપળા સ્મશાનગૃહમાં માત્ર બાવીસ દિવસમાં 80 જણાના અગ્નિસંસ્કાર થયા તે કે કોવિડના ત્રણના મોતના આંકડા સાચા ? કહેવાની જરૂર નથી કે નર્મદાનું આરોગ્ય તંત્ર સાચા આંકડા છુપાવે છે અને ખોટા આંકડા બતાવે છે. સ્મશાન ગૃહમા તો માત્ર હિન્દુ મૃતકોની જ વાત થઈ. મુસ્લિમ સમાજના મૃતકો તેમજ અન્ય સમાજના તો આંકડા જ નથી મળ્યા. મુસ્લિમ સમાજના મૃતકોને તો દફનાવવામાં આવે છે. એ આંકડા તો હજી પ્રાપ્ત થયા નથી.
જયારે આ આંકડા માત્ર રાજપીપલા સ્મશાન ગૃહ ના છે જયારે નર્મદામા નર્મદા કિનારે તેમજ અન્ય જગ્યાએ પણ અગ્નિસંસ્કાર કે દફન વિધિ થતી હશે એના આંકડા તો ઉપલબ્ધ નથી. ત્યારે આ કુલ આંકડો કેટલો મોટો હશે એની કલ્પના જ ધ્રુજાવી જાય છે ! ત્યારે આરોગ્ય તંત્ર સાચા આંકડા જાહેર કરે એ પણ એટલા જ જરૂરી છે નહીંતર પ્રજાનો વિશ્વાસ આરોગ્ય તંત્ર પરથી ઉઠી જશે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા