ગરૂડેશ્વર તાલુકાના ડેકાઇ-ધમધ્રાનો પ્રો.સી.સી રોડ ત્રણ મહિનામાં ખખડી ગયો
કોન્ટ્રાક્ટર દ્વારા એકદમ તકલાદી કામ થયું હોવાની ફરિયાદ.
ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી કોન્ટ્રાક્ટર એજન્સી સામે પગલાં ભરી ફરીથી રોડ બનાવવા માંગ કરી.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ યુનિટીનું પીએમ મોદીએ 31મી ઓક્ટોબરે જ લોકાર્પણ કર્યું હતું.દેશ-વિદેશના પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા સરળતા રહે એ માટે હાલ નવા ફોર લેન રોડની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે.સાથે સાથે એ વિસ્તારના ગામોના રોડ પણ નવા બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.ત્યારે 3 મહિના પહેલા જ ગરૂડેશ્વર તાલુકાના ડેકાઇ-ધમધ્રાનો પ્રો.સી.સી રોડ ત્રણ મહિનામાં ખખડી જવાની ઘટના સામે આવી છે જે કોન્ટ્રાકટર દ્વારા મોટો ભ્રષ્ટાચાર કરાયો હોવાની ચાડી ખાય છે.
ગરૂડેશ્વર તાલુકાના ડેકાઇ અને ધમધ્રા વચ્ચે લગભગ 2 કિમી લાંબા પ્રો સી.સી. રોડ ત્રણ મહિના પહેલા જ બનવવામાં આવ્યો હતો.એ રોડ પર હાલ તિરાડો પડી ગઈ છે અને ઉપરથી રેતી કપચી પણ ઉખડવા માંડ્યું છે.આવા ટૂંકા સમયમાં જો રોડ તૂટી જાય તો એમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર કરાયો હશે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.આ બાબતે એ ગ્રામજનોએ નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદન આપી તપાસની માંગણી કરી છે.આ રજુઆત બાદ કોન્ટ્રાક્ટર અને જે તે એજન્સીને વહીવટીતંત્ર બ્લેક લિસ્ટ કરી રોડ પાછળ ખર્ચાયેલ લાખો રૂપિયા વસૂલાય એવી ગ્રામજનોએ માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ રોડમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે એ અંગે જિલ્લાકક્ષાએ ફરિયાદ આવી છે.ગરૂડેશ્વર તાલુકાના ડેકાઈ થી ધમધ્રા ગામને જોડતો 2 કિમિ લાંબો રોડ ગત 31 માર્ચ 2018ના રોજ કામગીરી શરૂ કરવામાં આવી હતી.30 સપ્ટેમ્બર 2018ના એ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.રોડ બન્યાને ત્રણ મહિના થયા છે,ત્યારે હાલ એ રોડ પરથી રેતી ઉખડી રહી છે,વાહન ચાલકો જો બ્રેક મારે તો પણ સ્લીપ ખાઈ જાય અને અકસ્માત થાય છે સહિત અનેક આક્ષેપો સાથે આવા કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા ગામના ડાહ્યા તડવી,વિનેશ તડવી,રમેશ તડવી,વાય.ડી.તડવી સહીત મોટી સંખ્યામાં લોકોએ તપાસની માંગ કરી છે.