– રાજપીપલાથી દેડીયાપાડા વચ્ચે મુસાફરી કરતા ભારે વાહનોએ રાજપીપલા-નેત્રંગ-દેડીયાપાડા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
નર્મદાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.કે.વ્યાસને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલક-૩૩-(૧) (બી) તથા વંચાણ-૨ થી મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા મોવી, દેડીયાપાડા સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનો (ટ્રક, મલ્ટી એક્સેલ તથા હેવી કોમર્શીયલ વાહનો) ની અવરજવર તા.૩૦/૦૬/૨૦૨૧ સુધી બંધ રાખવા તથા રાજપીપલાથી દેડીયાપાડા વચ્ચે મુસાફરી કરતા ભારે વાહનોએ રાજપીપલા- નેત્રંગ- દેડીયાપાડા રસ્તાનો ઉપયોગ કરવા ફરમાવેલ છે. આ જાહેરનામાની અમલવારી તા.૧૫/૦૪/૨૦૨૧ થી તા.૩૦/૦૬/૨૦૨૧ સુધી કરવાની રહેશે.
અપવાદરૂપ કિસ્સામાં ભારે વાહનોમાં સરકારી બસ (એસટી બસ) સેવાને મુક્તિ આપવા ફરમાવેલ છે. સરકારી બસને આ જાહેરનામા અન્વયે પ્રતિબંધ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા