રાજપીપળા:પીએમ મોદીએ 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.એ બાદ અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિત મંત્રીઓ અને અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.તો 15મી ડિસેમ્બરે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી પહોંચ્યા હતા.એમની સાથે એમના ધર્મપત્ની,ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલી,ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલ સહિત અનેક મહાનુભવો જોડાયા હતા.
કેવડિયા ખાતેના હેલિપેડ પર એમના હેલિકોપ્ટરના ઉતરાણ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સીધા પોતાના કાફલા સાથે વેલી ઓફ ફલાવરની મુલાકાતે આવી પહોંચ્યા હતા.ત્યાં તેમણે ફલાવર શો નો નજારો માણ્યો હતો,દરમીયામ એમણે પીપળાના વૃક્ષનું રોપણ કર્યું હતું એના જતનની જવાબદારી વન વિભાગે લીધી હતી. ત્યાંથી તેઓ સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી.પ્રાર્થના સ્થળે રાષ્ટ્રપતિએ તેમના ધર્મપત્ની સવિતાદેવી સાથે સરદાર સાહેબની તસ્વીરને ફૂલો અર્પણ કરી સાદર ભાવાંજલિ આપી હતી.સરદાર પટેલના વંશજો ભુપેન્દ્ર પટેલ, અતુલ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સુપ્રસિદ્ધ ગાયક હેમંત ચૌહાણ અને ગાર્ગી વોરાએ ‘વૈષ્ણવજન તો તેને રે..’જેવા સુપ્રસિદ્ધ ભજનોની સુમધુર સુરાવલીઓ રેલાવીને સરદાર પટેલને અંજલિ અર્પી હતી.ત્યારબાદ રાષ્ટ્રપતિએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.સરદાર સાહેબના જીવન-કવનને પ્રસ્તુત કરતા મ્યુઝિયમ અને દર્શન કક્ષની મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. રાષ્ટ્રપતિએ પ્રતિમાની ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલી વ્યૂઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમ અને ફલાવર વેલી સહિત કેવડિયા વિસ્તારની નૈસર્ગીક આહલાદકતાનો નઝારો માણ્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રપતિને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણ બાબતેની વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા હતા.ત્યાંથી તેઓ કેવડિયા ખાતે બનનાર નવા રેલવે સ્ટેશનના ભૂમિપૂજન માટે પહોંચ્યા હતા.તેઓએ અંદાજીત 20 કરોડના ખર્ચે બનનાર દેશનું પ્રથમ હરિત ભવન સર્ટિફિકેશન સાથેના રેલ્વે સ્ટેશનનું ભૂમિપૂજન કર્યું હતું.
■બોક્સ:સંભવિત વિરોધને પગલે પ્રફુલ્લ વસાવાને પોલીસે ડિટેન કર્યા.
◆રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની કેવડિયા મુલાકાતને પગલે કેવડીયામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.અગાઉ કેવડીયામાં રેલ્વે સ્ટેશન માટે મંજૂરી ન આપતો ઠરાવ પ્રફુલ્લ વાસવાની ઉપસ્થિતિમાં કેવડિયા ગ્રામ પંચાયતે કર્યો હતો.તેથી રાષ્ટ્રપતિના કાર્યક્રમના સંભવિત વિરોધને પગલે રાજપીપળા પોલીસે પ્રફુલ્લ વસાવા અને કેવડિયા પોલીસે મહેશ તડવી, શૈલેષ તડવી,ગોવિંદ તડવીને ડિટેન કર્યા હતા.
■બોક્સ:કેવડિયા કોઠી ગામને પોલીસે ઘેરી લીધું
◆15મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા.એ પેહલા કેવડિયા-કોઠી ગ્રામ પંચાયતે વિશેષ ગ્રામ સભા બોલાવી રેલ્વે સ્ટેશનના ભૂમિપૂજનના વિરોધમાં સર્વાનુમતે ઠરાવ પસાર કર્યા હતા.આ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત પણ રહ્યા હતા.એને પગલે કેવડિયા-કોઠી ગામમાં રાષ્ટ્રપતિની મુલાકતની આગલી રાત્રે જ સઘન પેટ્રોલિંગ કરી ગામ લોકો કોઈ વિરોધ ન કરે એ માટે ગામની ચારે બાજુએ પોલીસ ખડકી દેવાઈ હતી.તેમજ જે અસરગ્રસ્ત કાર્યકર્તાઓ છે તેમના પરિવારજનોના ઘરની બહાર પોલીસ બેસાડી એમના ઘરમાં જ નજરકેદ કર્યા હતા.તેમજ આખા ગામમાં ઘોડે સવાર પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયુ હતું.ખાતમુહૂર્ત સમયે કોઈને પણ ગામની અંદર કે ગામની બહાર જવા દેવતા ન હતા.