નર્મદા જિલ્લામાં રોકેટ ગતિએ કોરોનાનાં કેસો વધી રહ્યા છે, મરણના આંકડા પણ વધી રહ્યા છે. તંત્ર ભલે સાચા આંકડા છુપાવતું હોય પણ જિલ્લાની જનતાને સાચી હકીકતનો ખ્યાલ છે. રસીકરણ પણ થઈ રહ્યું છે છતાં પણ જિલ્લામા કોરોનાના વધતા જતા કેસોને તંત્ર કાબુમાં લઈ શક્યું નથી. કોરોનાનાં પોઝીટીવ કેસોનો આંકડો 2500 ને પાર કરીને 2540 સુધી પહોંચી ગયો છે. રોજના સરેરાશ 20 થી વધુ કેસો વધી રહ્યા છે ત્યારે એક તરફ નર્મદામાં કોરોનાની ચેન તોડવા સમસ્ત નર્મદા જિલ્લાને સ્વયંભૂ બંધ કરવાની નોબત આવી છે. ત્યારે એસ્પિરેશન ડીસ્ટ્રીકટ ગણાતા નર્મદા જિલ્લામાં એક માત્ર વડા મથક રાજપીપલા ખાતે કોવિડ હોસ્પિટલ આવેલું છે જેમાં પૂરતા ડોક્ટર્સ, નર્સ સ્ટાફનો અભાવ છે. જેમાં આધુનિક ખાસ ભૌતિક સુવિધાઓ પણ નથી અહીંના તબીબો નર્સને બીજી હોસ્પિટલમાં મોકલી દેવાય છે અને અહીં ઘરના છોકરા ઘંટી ચાટે તેવો ઘાટ છે. ત્યારે દર્દીઓની ચિંતા કરનારું અહીં કોઈ દેખાતું નથી. જોકે એક માત્ર ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ આ અંગે ચિંતા કરી છે અને આ અંગે તેમણે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને પત્ર લખ્યો છે.
અને તેમણે પત્રમા જણાવ્યું છે કે નર્મદા જિલ્લામાં જે પ્રકારે કોરાનાના કેસો વધી રહયા છે, તે જોતા નર્મદા જિલ્લામાં પહેલેથી જ રાજપીપલા સિવિલ હોસ્પિટલ સહીત અનેક હોસ્પિટલોમાં ડૉક્ટર, નર્સ અને અન્ય સ્ટાફોની અછત હોવાના કારણે તથા નર્મદા જિલ્લામાં કેટલાક ૪ થી ૫ ડોક્ટરો અને ૪૫ નર્સોને વડોદરા ખાતેની કોવિડ-19 ની હોસ્પિટલમાં કામગીરી માટે ત્યાં ખસેડવામાં આવ્યા છે, જેના કારણે નર્મદા જિલ્લાના લોકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમજ નર્મદા જિલ્લામાં ડૉક્ટર, નર્સ અને અન્ય સ્ટાફની અછત હોવાના કારણે ખુબ જ મોટી તક્લીફ ઉભી થઈ છે. જેમાં ખાસ કરીને નર્મદા જિલ્લામાં ફીજીશિયન ડૉક્ટરો ન હોવાના કારણે કોવિડ-19 ના દર્દીઓને વેન્ટિલેટર અને રેમડેસીવીર ઈન્જેકશનની સારવાર આપી શકતા નથી, જેના કારણે રાજપીપલા કોવિડ-19 ની હોસ્પિટલમાં દર્દીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, માટે તાત્કાલિક ધોરણે રાજપીપલા કોવીલ હોસ્પિટલોમાં ફીઝીશીયન ડોક્ટરોની નિમણુક કરવામાં આવે અને વડોદરા ખાતે કોવિડ-19 હોસ્પિટલમાં નર્મદા તથા ભરૂચ જિલ્લામાંથી જે કોવિડ-19 ની સારવાર કરતો સ્ટાફ મોકલ્યો છે તથા વેન્ટિલેટર લઈ ગયા છે, તે ફરી ભરૂચ તથા નર્મદા જિલ્લામાં પરત કરવામાં આવે તેવી માંગ કરી છે. હવે એ જોવું રહ્યું કે સાંસદની માંગ સ્વીકારાય છે કે નહીં ?
જ્યોતિ જગતાપ, રાજપીપલા