રાજપીપળા:રાજપીપળા અને તિલકવાડા ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિનું અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહપ્રભારી ડૉ.મોહંતીની અધ્યક્ષતામાં સ્નેહમિલન સંમેલન યોજાયું હતું.જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા,નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા,નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદ,કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલ,માયનોરિટી કોંગ્રેસ પ્રમુખ ઈમ્તિયાઝ અલી કાદરી સહિત મોટી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.રાજપીપળાના સરદાર ટાઉનહોલ ખાતે યોજાયેલા આ સંમેલનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ડો.મોહંતી અને ધારાસભ્ય પી.ડી.વસાવાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ડો.મોહંતીએ જણાવ્યું હતું કે ભાજપના મનમાં રામ અને બગલમાં નાથુરામ છે,મહાત્મા ગાંધી રામની પૂજા કરતા હતા એમના જ હત્યારા નાથુરામ ગોડસેનું ભાજપે મંદિર બનાવ્યું છે.ભાજપ સરકાર દેશ અને લોકતંત્રની રોજ હત્યા કરે છે.આઝાદી સમયે લોકો લડાઈ લડી રહ્યા હતા ત્યારે આર.એસ.એસ ના નેતાઓ બીલમાં છુપાઈ દેશની દલાલી અને બ્રિટિશરોની ગુલામી કરતા હતા.ગુજરાતમાં ખેડૂતો અધિકાર માટે આગળ આવે છે ત્યારે એમને ગોળી મારવામાં આવે છે,હાલના સમયમાં ભારતની મહિલાઓ બિલકુલ સુરક્ષિત નથી.ભાજપ દેશની જાતિઓને લડવી સત્તામાં આવી છે,પોતાને દેશના ચોકીદાર ગણાવતા મોદીએ જ દેશને લૂંટવામાં વિજય માલ્યા અને નીરવ મોદી સાથે ભાગીદારી કરી છે.ભાજપ પાસે કોઈ મહાપુરુષ નથી એટલે જ એમણે કોગ્રેસના નેતા સરદાર પટેલની પ્રતિમા બનાવી છે,પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જેની પણ જમીન ગઈ છે એમને રોજગારી અને નોકરીમાં પ્રાથમિકતા મળવી જોઈએ.મોદી સરકારે યુવાનોને રોજગારી આપી હોવા સહિત વિકાસના કામો કર્યા હોવાના તમામ સરકારી આંકડાઓ ખોટા છે.ભારત દેશમાં હજારો એકર રસ્તાઓ પર રેલવે લાઈન નથી ત્યાં તો લોકોને બુલેટ ટ્રેનના સપના બતાવ્યા છે.
જ્યારે નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે આઝાદી માટે આર.એસ.એસ કે ભાજપના નહિ પણ કોંગ્રેસના નેતાઓએ બલિદાન આપ્યું છે,આઝાદી સમયે એમના નેતાઓ તો જેલમાંથી બહાર નીકળવા બ્રિટિશરોની કાલા વાલા કરતા હતા.ભાજપે રામ મંદિરના નામે અંદર અંદર લોકોને લડાવ્યા જ છે રામ મંદિર એમના માટે મત મેળવવાનું સાધન બની ગયું છે.કોંગ્રેસ સરકારે જે 500 કરોડમાં રાફેલ વિમાનનો સોદો કર્યો એનો ભાજપ સરકારે 1600 કરોડમાં ખરીદી કરવા નક્કી કર્યું.ભાજપે વર્ષોથી લડાકુ વિમાન બનાવતી કંપનીને બાજુએ મૂકી રિલાયન્સ કંપની સાથે લડાકુ વિમાન બનાવવા સોદો કર્યો,આ સોદા કર્યાના 15 દિવસ બાદ રિલાયન્સ કંપનીનું રજીસ્ટ્રેશન થયું છે.