– કોરોના સંક્રમણ વધતા તંત્ર અને વેપારીઓ દ્વારા ત્રણ દિવસ સ્વૈચ્છીક લોકડાઉન લગાવવા લેવાયો હતો નિર્ણય…
– તમામ પ્રકારના વેપારીઓએ સાથ સહકાર આપી રાજપીપળા લોકડાઉનને સફળ બનાવ્યું…
નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતાં તંત્ર એકશનમાં આવ્યું હતું એકાએક નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે જેના કારણે તંત્ર દ્વારા વેપારીઓ સાથે તાકીદે મિટિંગ કરી ત્રણ દિવસ માટે રાજપીપળામાં બજારો સ્વૈચ્છીક બંધ રાખવા નિર્ણય લેવાયો હતો ત્યારે 13 એપ્રિલ 2021 મંગળ વારથી 15 એપ્રિલ 2021 ગુરુવાર સુધી ત્રણ દિવસ માટે રાજપીપળાના બજારો બંધ રાખવા માટે તમામ વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક નિર્ણય લઇ આજથી ત્રણ દિવસ માટે રાજપીપળા લોકડાઉન કરાયું છે.
ત્રણ દિવસીય લોકડાઉનના પ્રથમ દિવસે રાજપીપળાના બજારો સંપૂર્ણ બંધ જોવા મળ્યા તમામ પ્રકારના વેપારીઓ સ્વૈચ્છીક બંધમાં જોડાયા હતા. પ્રજાને તકલીફ ન પડે તેમાટે પેટ્રોલપંપ, મેડિકલ, દૂધ સહિત આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી. બંધના પગલે રાજપીપળામાં નર્મદા પોલીસ, પાલિકા અને આરોગ્યની ટિમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. કોવિડ ગાઈડલાઈન ભંગ કરનાર માસ્ક વગર ફરનાર લોકો વિરુદ્ધ પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચનો કરાયા છે. સવારે રાજપીપળાના માધ્યમ, સફેદ ટાવર વિસ્તારમાં પોલીસ અને આરોગ્યની ટિમો સ્ટેન્ડબાય જોવા મળી હતી અને સઘન ચેકીંગ પણ હાથ ધરાયુ હતું.
◆ નર્મદા જિલ્લા બહારથી આવનાર લોકોનું સ્ક્રિનિંગ ટેસ્ટિંગના દાવા પોકળ….
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લા બહારથી આવતા લોકોનું આરોગ્ય ટિમો દ્વારા સ્ક્રિનિંગ અને ચેકીંગ હાથ ધરશે તેવી વાત સામે આવી હતી પરંતુ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે સરકારની એવી કોઈ ગાઈડલાઈન નથી અને અમારી પાસે પૂરતો સ્ટાફ પણ નથી.
◆ રાજપીપળા પાલિકા દ્વારા સેનિટાઈઝેશન….
કોરોના સંક્રમણ અટકાવવાના પગલે રાજપીપળા નગરપાલિકા દ્વારા રાજપીપળાના મુખ્ય માર્ગો તેમજ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સેનિટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
રાજપીપળા : આરીફ જી કુરેશી