રાજપીપળા પાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. રાજપીપળા પાલિકાના પ્રમુખ તરીકે ગુજરાતની નગરપાલિકાઓમાં સૌથી નાની વયના કુલદીપસિંહ ગોહિલની વરણી થઈ છે. રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલની અધ્યક્ષતામાં 18.3 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજુર થયું હતું. જેમાં કોરોના મહામારીને પહોંચી વળવા 2 કરોડ રૂપિયાની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે, રાજપીપળાની જનતા કોરોના સંક્રમણનો ભોગ ન બને સાથે સાથે જનતાને ઘરે બેઠા સુવિધા મળી રહે એ માટે રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે નવતર અભિગમ અપનાવ્યો છે. રાજપીપળાની જનતાના વિવિધ પ્રશ્નોનો મોબાઈલ પર જ નિકાલ થાય એ માટે પાલિકાએ વિવિધ હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા છે. રાજપીપળા પાલિકા પ્રમુખે અપનાવેલો આ નવતર અભિગમ પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત અપનાવાઈ રહ્યો છે.
રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજપીપળાની જનતા હવે એક ફોન કોલથી એમના પ્રશ્નો હલ મેળવી શકશે. રાજપીપળા પાલિકાએ જન્મ-મરણના દાખલાઓ માટે 8511760363, પાણીને લગતા પ્રશ્નો/ સ્ટ્રીટ લાઈટને લગતા પ્રશ્નો તથા સફાઈ અંગેની ફરિયાદ માટે 8511460364, બાંધકામ પરમિશન/ શોપ લાયસન્સ/ વેરા ટ્રાન્સફર માટે 8511760365, બી.પી.એલ દાખલામાં સુધારા વધારા/ વૃધ્ધા સહાય/ આવકના દાખલા/ વિધવા સહાય/ સેલ્ટર હોમ રહેવા માટે 8511760366 હેલ્પ લાઈન નંબર અમે જાહેર કર્યો છે.
કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, દાખલાઓ માટે ડોક્યુમેન્ટ પણ પાલિકાકર્મી જે તે વ્યક્તિના ઘરે જઈને લઈ આવશે, ડોક્યુમેન્ટ જમા થયાના 48 કલાકમાં એમના દાખલા તૈયાર થઈ ગયા બાદ જે તે વોર્ડના ચૂંટાયેલા સભ્યો લોકોના ઘરે દાખલાઓ પહોંચતા કરશે, અમારી આ સેવા રજાના દિવસો સિવાયના દિવસોમાં સવારે 11 થી 2 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી ચાલુ રહેશે, જનતાને પોતાના કામ માટે નગરપાલિકા સુધી આવવું ન પડે એક ફોન પર પ્રશ્નનો નિકાલ થાય એ માટે અમે અલગ અલગ સમસ્યાઓ માટે અલગ અલગ હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે જો આ સુવિધા સમયબદ્ધ અને સુનિશ્ચિતરૂપે નિયમિત ચાલુ રહેશે તો ચોક્કસપણે રાજપીપળાની જનતા માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થશે.
આરિફ કુરેશી : રાજપીપળા