રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં વધતા કેસનાં કારણે માસ્ક સહિતનાં કોવિડ-૧૯ નાં જાહેરનામાનું પાલન જરૂરી બન્યું છે. ત્યારે આજે રાજપીપળા પોલીસે બજારમાં આ બાબતે કડક ચેકીંગ હાથ ધરી વાહન ચાલકો અને દુકાનદારો પર લાલ આંખ કરી કાયદાના પાઠ ભણાવતા પોલીસ અને લોકો વચ્ચે તું તું મેં મેં નાં દ્રશ્યો સર્જાયા હતા. જેમાં કેટલાક દુકાનદારો અને પોલીસ વચ્ચે ચકમક પણ જોવા મળી હતી.
જોકે લોકો કોરોના સંક્રમિત ન થાય અને શહેર જિલ્લામાં કોરોનાનાં કેસો બેકાબુ ન બને તે માટે કાયદાનું પાલન કરાવતી પોલીસને સહકાર આપવાના બદલે કેટલાક લોકો પોતાની મનમાની કરતા હોય જે તેમના અને તેમના પરિવાર સહિત અન્યો માટે જોખમી છે માટે લોકોએ પણ કાયદાનું પાલન કરાવતી પોલીસ ટીમોને પૂરતો સહકાર આપવો જોઈએ.
બીજી તરફ પોલીસના કડક વલણથી લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો અને ચૂંટણી ટાણે નેતાઓએ કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી જલસા કર્યા ત્યારે હવે સામાન્ય પ્રજા દંડાઈ રહી છે જે બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને નેતાઓ સામે કેમ કાર્યવાહી ન થઈ ? જેવી લોકચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.
આરીફ જી કુરેશી : રાજપીપળા