નર્મદા જિલ્લામાં હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે દિવસે-દિવસે કોરોનાનાં કેસો વધી રહ્યા છે ત્યારે ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં પણ કોરોના વકર્યો હોવાથી ત્યાંથી આવતા લોકોનું નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે જે માટે સાગબારા તાલુકામાં આવેલી ગુજરાત મહારાષ્ટ્રને જોડતી બોર્ડર ધનશેરા ચેકપોસ્ટ ઉપર નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી એક ટુકડી ગોઠવવામાં આવી છે જેથી મહારાષ્ટ્રમાંથી આવતા વાહનચાલકો પ્રવાસી લોકોને થર્મલ ટેસ્ટ તેમજ જરૂર જણાય તો કોરોના ટેસ્ટ કરી ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં કોરોનાએ ફરી માથું ઉચકતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. દરરોજ ટેસ્ટિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે ઉપરાંત નર્મદા જિલ્લા વહીવટી તંત્ર પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગતરોજ મીડિયામાં અહેવાલો આવ્યા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે બાકી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં બિન્દાસ્ત આવન જાવન ચાલુ હતી.
◆ નેતાઓના વાંકે કોરોના વકર્યો ???
કોરોના વકરતા જ્યારે તંત્ર કડક પગલાં લઇ રહ્યું છે ત્યારે લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે ગત સમયમાં ચૂંટણીઓ દરમિયાન સરેઆમ કાયદાઓનું અને જાહેરનામાઓનું ઉલ્લંઘન થતું હતું ત્યારે નેતાઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કેમ નહીં કરવામાં આવી ? ઉપરાંત શું નેતાઓના વાંકે કોરોના વકર્યો તેવી લોક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આરીફ જી કુરેશી : રાજપીપળા