રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીઓ બાદ ભાજપે સત્તા સાંભળી છે ત્યારે વોર્ડ નંબર એકના અપક્ષ ઉમેદવાર અને પૂર્વ પાલિકા ઉપ્રમુખ એવા સ્વ. યુસુફભાઈ સોલંકીનાં પુત્ર મંજુરે ઇલાહી ( લાલુ ) એ પોતાના વોર્ડના પડતર પ્રશ્નો જેવા કે સફાઈ, પાણી સહિતના મુદ્દાઓને લઈ પાલિકાના નવનિયુક્ત પ્રમુખ તેમજ મુખ્ય અધિકારીને રજુઆત કરી હતી.
વોર્ડ નંબર એકમાં આવતા વિસ્તારો જેવા કે કાછીયાવાડ, કસ્બાવાડ, મોટા માછીવાડ સહિતના વિસ્તારોમાં મુખ્યત્વે સફાઈના ગંભીર પ્રશ્નને હલ કરવા રજુઆત કરી હતી, ઉપરાંત આશાપુરી માતા મંદિર પાસે, તેમજ કસ્બાવાડ વિસ્તારમાં પાણીની સમસ્યા મુદ્દે રજુઆત કરી હતી. ઉપરાંત સ્ટેશન રોડ વિસ્તારમાં નિયમિત ગટરો સાફ થાય તેમજ સમયસર ઢગલા ઉપાડાય તેવી માંગ કરી છે, ઉપરાંત શાકમાર્કેટ વિસ્તારમાં ત્રણ ટાઈમ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા વાહન આવે તેવી પણ તેઓએ માંગ કરી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે અહીંયા દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે ત્યારે રાજપીપળાની સુંદરતા જોઈ અહીંથી તેઓ સારી છાપ લઈને જાય તેવી જવાબદારી અધિકારીઓ પદાધિકારીઓની છે તેમ પણ તેઓએ જણાવ્યું હતું.
આ બાબતે રાજપીપળા પાલિકાના નવનિયુકત યુવા પમુખ એવા કુલદીપસિંહ ગોહિલ તેમજ મુખ્ય અધિકારી દ્વારા હકારાત્મક જવાબ આપવામાં અવ્યો હતો અને જલ્દી આ સમસ્યાનું નિરાકરણ આવશે તેવી બાંહેધરી પણ અપાઈ હોવાનું રાજપીપળા વોર્ડ 1 નાં પાલિકા સદસ્ય મંજુરે ઇલહીએ જણાવ્યું હતું.
આરીફ જી કુરેશી : રાજપીપળા